આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : ૪૧
 


બીજો પ્રવાહ છે આપણા સંસ્કૃત પ્રાકૃત સાહિત્યમાંથી ઊતરી આવેલી કથા–વાર્તાઓનો. એમાં આપણે ઈસ્લામના સંપર્કને પણ છેક વિચારવા સરખો નથી. એરેબિયન નાઈટ્સ, હાતીમતાઈ, લાલ બુઝક્કડ અને બાદશાહ બીરબલનાં ચાતુર્ય કે ચાતુર્યઅભાવ ભૂલી ન જ શકીએ. ઘણી વાર લોકસાહિત્ય સ્થાનિક વાર્તાઓ અને Tradition-ગ્રંથસ્થ કે પ્રણાલિકાથી ચાલતી આવેલી વાર્તાઓનાં મિશ્રણ પણ થાય છે.

આપણી વર્તમાન વાર્તાસાહિત્યની ભૂમિકા આમ તૈયાર થઈ. પરંતુ વર્તમાન નવલકથાનો જન્મ ઓગણીસમી સદીમાં થયો.

ઉપરના બે પ્રવાહ ઉપરાંત એક ત્રીજો પણ પ્રવાહ નોંધવો પડશે, જેણે આપણી વાર્તાસાહિત્ય પર સ્પષ્ટ અસર ઉપજાવી છે: તે પશ્ચિમનું વાર્તાસાહિત્ય. પાશ્ચિમાત્ય સાહિત્યે આપણને વાર્તા માટે સરસ નમૂના પૂરા પાડ્યા. જો તેઓએ આપણને વર્તમાન સમયની વાર્તા માટે બીબાં ન આપ્યાં હોત તો આપણું વાર્તાસાહિત્ય અત્યારે જે વિકાસ સાધી શક્યું છે તે સાધી ન શક્યું હોત; નિદાન એનું સ્વરૂપ જુદું જ હોત. લીટન, સ્કોટ, થેકરે, ડીકન્સ વગેરેએ આપણને વાર્તા માટે સ્વરૂપો, આકારો આપ્યા, જેના ઉપરથી વર્તમાન વાર્તા ઊદ્ભવ પામી. વળી તેને બંગાળી, મરાઠી નમૂનાઓએ સમૃદ્ધ કરી છે–જેના અનુવાદો આપણી ભાષામાં પુષ્કળ થયા છે. આ આપણા વાર્તાસાહિત્યની ઝાંખી ઈતિહાસશ્રેણી.

હવે વાર્તાનાં તત્ત્વો કે અંગોનો સહજ વિચાર કરીએ. વાર્તા અત્યારના યુગમાં મુખ્યત્વે કરીને બે વિભાગમાં વહેંચાય છે: ઐતિહાસિક અને સામાજિક.

ઐતિહાસિક નવલકથામાં ઈતિહાસને પડદે Background મૂકી તેના પર કલ્પનાની રમત કરવામાં આવે છે. એ નવલકથા પોતે ઇતિહાસ નથી, પણ લેખકની કલ્પના જૂના યુગમાં જઈ તેમાં રૂપરંગ પૂરે છે. આમ, ઐતિહાસિક નવલકથા રચાય છે. આપણે ‘જૂની આંખે નવા તમાશા’ એ કહેવત સાંભળીએ છીએ. એમાં રહેલું તત્વ જરા ફેરવી ‘નવી આંખે જૂના તમાશા’ એમ વાંચવાથી ઐતિહાસિક નવલનું તત્વ બરાબર ખેંચી શકીશું. એમાં વર્તમાન લેખકની કલ્પના ભૂતકાળ ચીતરવા પ્રયાસ કરે છે, અને એ ચિત્રને સંપૂર્ણ બનાવવા પ્રાચીન યુદ્ધો કે રાજારાણીઓના પ્રસંગો