આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



કવિતા

સાહિત્યની વાત આવે છે ત્યારે જનવર્ગના મોટા ભાગને ન સમજાય એવી અણગમતી વિદ્વત્તાનો ભાસ થાય છે. ખરું જોતાં આખું સાહિત્ય જનતા માટે છે અને જનતામાંથી જ તે ઉદભવે છે. માટે ભાગે એવી માન્યતા તરફ આપણે વળીએ એ વધારે સાચું તત્ત્વ છે. જનતા છેક ન સમજે એવી સાહિત્યચર્ચા પણ ન હોવી જોઈએ.

આમ તો કવિતા અને સંગીત બને મોટા અને ભારે વિષયો લાગે. એનાં શાસ્ત્ર ખરેખર જુદાં અને બહુ ગંભીર છે, અને બધાં જ શાસ્ત્ર ભારે અભ્યાસ માગે છે. પરંતુ સાહિત્ય જાતે જ એવું સાધન છે કે જે શાસ્ત્રીને સામાન્ય જનતા આગળ એવી ઢબે મૂકી શકે કે શાસ્ત્રોનું હાર્દ–રહસ્ય આપોઆપ સમજાઈ જાય અને શાસ્ત્રીય અભ્યાસની ગૂંચવણી ઊભી ન થાય.

કવિતા શું એ તો સહુ કોઈ જાણી શકે. એની વ્યાખ્યા બધાંથી અપાય નહિ. પંડિતો અને વિદ્વાનો પણ એવી વ્યાખ્યા આપી શક્યા નથી, કે જે સહુનો સ્વીકાર પામે. જેમ વિદ્વતા વધારે તેમ વ્યાખ્યા ટૂંકી પડે. વળી એક યુગના પંડિતે આપેલી વ્યાખ્યા બીજા યુગના પંડિતને ફાવે નહિ. મમ્મટ સાહિત્યદર્પણમાં એક વ્યાખ્યા આપે, તો જગન્નાથ 'રસગંગાધર’માં બીજી આપે. કોઈ કવિતાના એક લક્ષણ પર ભાર મૂકે, કોઈ બીજા લક્ષણ ઉપર. એક વિદ્વાન કહેશે કે કવિતા એટલે કુદરતની નકલ. કુદરત ઘણી વિશાળ છે, અને માનવી તો કુદરતનો એક નાનકડો ભાગ છે. વળી કુદરત નકલ કરી શકાય એવું નાનું અને સહેલું તત્ત્વ નથી, એ આ વ્યાખ્યાનો વિચાર કરતી વખતે સહુ ધ્યાનમાં રાખે.

બીજો વિદ્વાન કહેશેઃશબ્દ અને અર્થ ચમત્કૃતિવાળી ભાવના એટલે કવિતા. ત્રીજો વિદ્વાન વાંધો કાઢે છે કે એમાં ચમત્કારની શી જરૂર ? સાદી સરળ ભાષામાં શું કવિતા લખાય જ નહિ? વર્ડ્ઝવર્થની we are seven નામની કવિતા અત્યંત સાદી છે; છતાં તે ઉત્તમ કવિતા છે. આપણું ધ્રુવાખ્યાન ઘણું સાદું છતાં હૃદયને હલાવી શકે એવું છે.