આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨ : સાહિત્ય અને ચિંતન
 

ગરબીઓ એ સર્વ કવિતા. દલપતરામ પણ કવિ અને નર્મદ પણ કવિ. આપણા યુગની પાસે આવીએ તો 'કુસુમમાળા'ને પણ કવિના કહેવાય અને 'કલાપીનો કેકારવ'ને પણ કવિતા કહેવાય. ન્હાનાલાલે પણ કવિતા લખી અને સુંદરમ્-ઉમાશંકર પણ કવિતા રચે છે. ભગવાનનું નામ પણ કવિતામાં આવે અને પ્રેમની પીડા પણ કવિતામાં વણાય. બાગબગીચા કે વનઉપવન અને ચંદ્ર, સૂરજ, તારા અને નક્ષત્રનાં વર્ણનો પણ તેમાં આવે. સ્ત્રીપુરુષના દેહનું પણ વિગતવાર વર્ણન એમાં થાય અને પશુપક્ષીનાં પણ વર્ણન એમાં આવે. એમાં લાંબી કથા પણ કહેવાય અને નાનકડો ભાવ પણ એમાં આલેખાય. કવિતા યુદ્ધને પણ આવકારે છે અને હાસ્યને પણ આવકારે છે. કવિતામાં તત્ત્વજ્ઞાન પણ આવે અને ડીંગ પણ તેમાં મારી શકાય.

આ ઉપરથી આપણે જોઈ શકીશું કે કવિતાનો વિસ્તાર કેટલો મોટો છે. કેટલાક વિદ્વાને તો કહે છે કે જીવનનો જેટલો વિસ્તાર એટલે વિસ્તાર કવિતાનો. કવિતામાં ગણિત પણ લખાયું છે અને વૈદકના ગ્રંથ પણ લખાયા છે. લીલાવતી ગણિતનું નામ તો ઘણાએ સાંભળ્યું હશે. એ કવિતામાં લખાયેલું ગણિતગ્રંથ છે. 'લોલિંંબરાજ' નામનો ગ્રંથ કવિતામાં વૈદકને અને શૃંગારને સાથે જ ઊતારે છે. એટલું તો ચોકકસ કે કવિતા જીવનના મોટા ભાગ ઉપર વિસ્તાર પામી ચૂકી છે.

વળી એક નવાઈ જેવી બીજી વિગત પણ કવિતાની ચર્ચામાંથી આપણને જડી આવશે. આપણે જૂનામાં જૂનો સચવાયેલો શબ્દસમૂહ તે કવિતા. વેદ એ આપણું પુરાતનમાં પુરાતન સાહિત્ય. ગ્રીસનો હોમર પણ બોલ્યો કવિતામાં. લેટીનનો જુવેનલ પણ બોલ્યો કવિતામાં. કુરાન પણ કવિતામાં અને બાઈબલનાં સ્તોત્ર પણ કવિતામાં.

આજના વિજ્ઞાનની દૃષ્ટિએ માનવીની ઉત્પત્તિને હજારો વર્ષ થયાં. બીજી સજીવ સૃષ્ટિથી માનવીને જુદો પાડનાર કેટલાંક મુખ્ય લક્ષણો છે તેમાં માનવીની વાચા એક છે. માનવીને વસ્તુ ઓળખતાં આવડે છે. ઓળખીને તેના નામ પાડતાં આવડે છે, તેની ક્રિયા પણ સમજી સમજાવી શકે છે અને નામ ને ક્રિયા સાથે જોડતા સંબંધો પણ એ