આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦ : સાહિત્ય અને ચિંતન
 

પ્રયત્નો છતાંય ગુજરાતી ભાષાના ઉચ્ચારણોમાં પૂરું જોર હજી આવ્યું નથી. ઉચ્ચારણ એ સાહિત્યને મહત્તવને ભાગ છે. એટલે ઉચ્ચારણની શક્તિહીનતા ગુજરાતી સાહિત્યને પહેલે જ પગથિયે નડે છે, અને ભારે ઉણપ તરીકે લાગ્યા કરે છે. “શું શા પૈસા ચાર ” પૂરતો દુહો છેક અર્થહીન નથી એમ છાનું છાનું પણ આપણે સ્વીકારવું પડે. આમ ગુજરાત ઘડાયું ખરું, પરંતુ ઇતિહાસે એને બહુ બળ ન આપ્યું.

૨. ઈતિહાસ ઉપરાંત ભૂગોળ પણ ગુજરાતી સાહિત્યને ઘડે છે. ગુજરાતને વિસ્તૃત સમુદ્રકિનારો છે. અને પૂર્વ – પશ્ચિમની દુનિયા સાથે હિંદને સાંકળી લેવામાં ગુજરાતે મહત્વને ભાગ ભજવ્યો છે. એ દરિયાઈ વિસ્તારે દરિયાઈ સફરની અંશતઃ તાકાત ગુજરાતને આપી છે. છતાં ગુજરાતનાં વ્યાપાર અને ખેતીની આબાદીએ તેના શૌર્ય સાહસ ઉપર ઠંડક પાથરી દીધી છે. ગુજરાત એ મુખ્યત્વે દરિયાઈ કિનારે હોવા છતાં Britania Rules The waves એવું કદી ઉચ્ચારણ ગુજરાતે કર્યું નથી. તેની વૃત્તિ વ્યાપારી અને આંતર દેશીય-Cosmopolitan થઈ ગયેલી હોવાથી, તેમાં જોરદાર રાષ્ટ્ર ભાવના ઝળહળી ઉઠતી નથી, જોકે એ જ Cosmopolitan વૃત્તિઓ ગુજરાતને ગાંધી જેવી વિશ્વવંદ્ય વ્યક્તિ આપી છે. સાંકડું અને તથા જોરદાર અભિમાન કે દેશાભિમાન આ કારણે ગુજરાતમાં નથી અને તેથી તેના સાહિત્યમાં જોરદાર રાષ્ટ્રઅભિમાનનો પડઘો આપણે માગીએ એટલો પડયો નથી. ન્હાનાલાલનું દેશાભિમાન વેરાઈ જઈ હેગ કોન્ફરન્સની વિશ્વ ન્યાયમંદિરની ભાવના તરફ વળે છે. ગાંધીજીનો હિંદ-પ્રેમ ઉમાશંકરની “ વિશ્વશાંતિ” માં વ્યાપક બની જાય છે. દેશાભિમાનના પ્રથમ આવેશમાં નર્મદે “જય જય ગરવી ગુજરાત” ગાયું, છતાં બંગાળને ઉદ્દેશીને ગવાયેલું ‘વંદેમાતરમ્’ જેમ સમગ્ર હિંદનું ગીત થઈ પડયું તેમ ગુજરાતનું કોઈ દેશાભિમાની ગીત આખા હિંદને મોઢે ચઢી શકયું નથી. ગુજરાતી સાહિત્યમાં આમ ઉદાર વ્યાપકતા ખરી, આબાદીની છાપવાળા સંસ્કારો ખરા, અને ઉદારતાભરી કુમળાશ પણ ખરી; પરંતુ ઈતિહાસ અને ભૂગોળે મળી તેનામાં વીરત્વ સાથે વણી લીધેલું અને ઊંડી ઊર્મિ ઉછાળતું દેશાભિમાન