આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
86
સમરાંગણ
 

 રહું છું. તમે તો માનું હૈયું સંઘરીને બેઠાં છો. ન વીસરી શકો, પણ મારા જેવા ત્રાહિતે ય ઝૂરી રહે તેવું જ બન્યું છે. પણ, મા, મારો રૂદો સાક્ષી પૂરે છે, કે ભાઈ પાછો આવશે. એ સરાણિયાની કન્યાએ કહેલી કાળ-વાણી મારા અંતરમાં અક્ષરેઅક્ષર લખાઈ ગઈ છે. ભાઈ આવશે – મને આખરી ટાણું થયે રૂડો દેખાડવા આવશે, કોક જોદ્ધાર એક દિવસ આવશે એ વાત નક્કી છે.”

“ના ભાઈ, મારે એ વાત નહોતી કહેવી. મા આશાપુરાની દુહાઈ મને.” બુઢ્‌ઢીનું મુખ સખ્ત બન્યું. જાણે કે મનમાંથી કશોક ભાર બહાર ધકેલતી હતી.

“હવે તો, મા, થોડીક જ ધીરજની જરૂર છે.”

“ખમા તમને, સીધાવો, બાપા.”

“તમે જાણે મને કાઢી મૂકતાં ન હો, એવું લાગે છે.”

“હા જ તો, બાપા,” વૃદ્ધાએ મહામહેનતે શબ્દો ગોઠવ્યા : “મોલે મા વાટ જોતાં હશે, બાપુ ટળવળતા હશે; ઝટ પોગો, સારું ન દેખાય.”

કુંવરને જાણે કે વૃદ્ધાએ ધકાવીને કાઢ્યો. એ ગયા પછી. મોંમાંથી હાશકારો હેઠો પડ્યો. જાણે કોઈ ગજબ ગુજરવાનો હતો તેમાંથી બચી જવાયું. હોઠે આવેલા શબ્દોને સરી પડતાં શી વાર લાગત ? માં આશાપરાએ જીભને ઝકડી રાખી.

વિચારતાં વિચારતાં કપાળે કરચલીઓ વળી. યાદ આવ્યું : “આજ જો એ એક જ હોત ને, તો હું એને દોટાવી મૂકત. પણ એ એક નથી, ને મારું જાણે કે કોઈ નથી.”

વજીરની વાળુ-થાળીનો વખત થઈ ગયો. વિચાર-તાંતણા વેરાતા રાખીને વૃદ્ધા રસોડે ચાલી . રોજનો બંદોબસ્ત સાચવીને વજીરને જમાડી લીધા. જમતાંજમતાં વજીરે કહ્યું : “લૂગડાં તૈયાર છે કે ?”

હકારમાં એ વૃદ્ધ માથું હાલ્યું. વગર જરૂરનાં વેણ એ વજીર જોડે નહોતી બોલતી.

“ત્રીજે પહોર મારે ચઢી જવાનું પરિયાણ છે. ઉઠાશે ?”