આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિજયી મસ્તક
101
 

 “જેસાભાઈ !” એની બાજુએ ચાલતા બે આગેવાન ઘોડેસવારો પૈકીના એક ત્રાંસી આંખો તાણતા અસવારે કહ્યું : “માળો હાથી પણ ઠીક મળી ગયો. મુંગલા બધુંય મૂકીને ભાગી ગયા. હાથીને તો મેં આડા પડીને હાથ કરી લીધો હોં, જેસાભાઈ ! હાથી ઠાવકો છે.”

“નહિ નહિ, લોમા ખુમાણ.” બાજુએ ચાલતા ત્રીજા જુવાન અસવારે વાંધો રજૂ કર્યો : “હાથીને તો મેં સૂંઢ ઝાલીને...”

જેસા વજીરે એ જુવાનની સામે શાંત દૃષ્ટિ કરી એને વધુ બોલતો અટકાવ્યો.

“કુંવર અજાજી !” લોમા ખુમાણ નામે સંબોધાયેલા એ બીજા આગેવાને ઠંડા શબ્દોમાં કહ્યું : “તમે બીઓ મા. મારે કાંઈ હાથી જોતો નથી.”

“હાથી તો, લોમા ખુમાણ,” જેસા વજીરે હસીને જવાબ દીધો : “તમને જ આપ્યો છે.”

“ના, હું ઈ આપેલું લેવા માગતો નથી.”

“ઠીક ભાઈ, તમે જીતેલો છે માટે તમારે રહ્યો !”

“હાંઉં, તો એમ કહો. બાકી મારે કાંઈ જોતો નથી.”

“આપા લોમા ખુમાણ !” જેસા વજીરે વાતને જુદો ઝોક આપ્યો : “આપણને તો આજ હજારો હાથી હાથ આવે ને થાય તે કરતાં ય વધુ આનંદ થવો જોઈએ. આપણે આજ સોરઠના ઇતિહાસમાં પહેલી જ વાર દિલ્હીની પાદશાહી ફોજનાં પીંછડાં પાડી નાખ્યાં. સોરઠનો સૂબો અમીનખાન, પોતાને માથે અકબરશાહની ફોજ આવે ત્યારે, કોઈને નહિ ને જામને ને ખેરડીના ખુમાણને રક્ષા માટે તેડાવે એ જ એક અજબ વાત હતી. ને અકબરશાહનો દૂધભાઈ કાળઝાળ મિરજાખાન પોતે મુગલાઈ ફોજ લઈને કોડીનાર સુધી ભાગી નીકળે, ભૂંડે હાલે ડંકા-નિશાન, હાથી-ઘોડા ને હથિયાર-પડિયાર મૂકી હાથેપગે વહેલું આવે અમદાવાદ એમ ભાગી છૂટે, એ બનાવ વિચારવા જેવો છે. હાથી-ઘોડાંની લૂંટની વહેંચણ તો વળી શું કરવાની હતી ? લડાઈઓ લૂંટને માટે જ