આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
102
સમરાંગણ
 

 કરાય, એ જમાનામાંથી આપણે ’દી બહાર નીકળશું ?”

સફેદ દાઢીમાંથી ગળાઈને વજીર જેસાના શબ્દ પડતા હતા. લોમો ખુમાણ પોતાની નાનપ માટે પસ્તાવો કરતો હતો કે આ બુઢ્‌ઢાનાં બોધવચન ઉપર છૂપો ખાર કરતો હતો, તે તો ખબર ન પડી, પણ એના મોં પર ઝંખાશ પથરાતી હતી.

પાછળ ફોજમાંથી હર્ષના કિકીઆટા આવતા હતા.

“જુઓ, લોમાભાઈ ! સાંભળો, કુંવર !” જેસાએ દેહ મરડીને ઘોડાનાં પાટિયાં પર હાથ ટેકવી પછવાડે ચાલ્યા આવતા ચાર હજાર જોદ્ધા બતાવ્યા. “જોઈ લ્યો, આ સોરઠિયા સૈનિકોને મળી ગયેલો આત્મવિશ્વાસ. પરદેશીઓના માર ખાઈખાઈને પોતાની જાત માથેથી ભરોસો જ ખોઈ બેઠેલી આ બહાદુર સોરઠને રૂદે રામ જાણે પાછો આવ્યો છે. એ આજ કોના ઉપર વિજય મેળવીને વળેલ છે તેનું એને જબ્બર ભાન થઈ ગયું છે. અમીનખાન ઉપરકોટના દરવાજા બીડીને બેસી ગયો. આપણને બોલાવીને પછી બારણાં ઉઘાડ્યાં નહિ. આપણને એમ કહેવરાવીને પાછા પાડ્યા કે અમારે ને બાદશાહના સૂબાને વષ્ટિ ચાલે છે, માટે પાછા જાવ. કરમહીણો અમીનો ખંડણી ભરવા તો ઠીક, પણ ઉપરકોટ સોત સોંપી દઈને નીકળી જવા તૈયાર હતો. આપણને તો ભૂમિ માથે ઊભા રે’વું ભારી થઈ પડ્યું. આપણે આપણા નોકને કારણે આંખો મીંચીને મજેવડીના ખુલ્લેખુલ્લા મેદાનમાં પાદશાહી ફોજ પર ત્રાટક્યા. તે ઘડી સુધી આ સોરઠિયા લડવૈયાના મનમાં બીકનાં કેવાં સસલાં ફફડતાં હશે, આપા લોમા ? બાપડા ચાર જ હજાર –”

“ને અમારા પાંચસો કાઠી.” લોમા ખુમાણે એ વાત ગણતરી બહાર રહી જવા દીધી નહિ.

“ખરા ખરા, કાઠી, આપણા સાડા ચાર જ હજાર શત્રુની કંકાળી તોપોને ખોટી પાડીને મીરજાખાનનાં લાજ-લૂગડાં ઉતારી આવ્યા. એના પોરસની – એની ફુલાતી છાતિયુંની – જ મને તો હવે મોજ લાગી છે, તે ભેગી ચિંતા પણ જાગી છે.”