આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
108
સમરાંગણ
 

 વજીરની આગળપાછળ કડી-બાજતા અસવારો હતા. દુકાનદારો હાટડે-હાટડેથી હેઠા ઊતરીને વજીરના પગને અડકતા ઝાઝા રંગ દેતા હતા. દિલ્હીશાહની મુગલ ફોજને દરિયા સુધી તગડનાર વૃદ્ધ જોદ્ધો વીરપૂજાની પ્રતિમા બન્યો હતો. ડાબા હાથે ઘોડાની લગામ કસકસેલી, જમણા હાથે સૌના રામરામ ઝીલતા જાય, પણ હૃદય ત્યાં બજારમાં નહોતું. મોટામાં મોટો – ને કદાચ છેલ્લામાં છેલ્લો જ – આ જિંદગીનો વિજય માથા પર ભાર કરતો હતો. કોઈકને ખોળે, કોઈકની છાતી ઉપર એ શિરબોજ ઉતારીને હળવા-ફૂલ થવાની ઓચિંતી હોંશ કોણ જાણે ક્યાંથી ઊભરાતી હતી. આવડા મહાન વિજયને પી જનાર પેટને એકાદ ખૂણે, આંતરડાની કોઈ કોર ઉપર, જાણે એક કાચની કણી જેવી લાગણી પડીપડી માંસને ખોતર્યા કરતી હતી એવું ભાન એકાએક થઈ આવ્યું. આ ખટક ક્યાં બોલે છે ? ઊંઘવા જતા મસ્તકને મશરૂના ઓશીકામાં લપાયેલું એ કયું ડાભોળિયું ખેંચે છે ? આવડી મોટી સિદ્ધિ, સુકીર્તિ, શક્તિ અને જવાંમર્દીના સામા પલ્લામાં પડેલું એક તુલસીના પાન જેવડું નાનકડું કયું પાતક દાંડીને અણસમતોલ કરી મૂકે છે ?

હા-રે-હા, મેં એને જીવનભરની મે’ણિયાત રાખી છે. એના જીવનને ઘોર એકાંતની અતલ ખાઈમાં ધકેલી મૂક્યું છે. એનો દિવસકઢણો પુત્ર મેં ગામનું કૂતરું ગયું હોય એવી આસાનીથી ગાયેબ થઈ જવા દીધો છે. આજે તો જઈને એકસામટું જ એનું પ્રાછત માગી લઈશ. આજે તો મેં અજા કુંવરને એટલો બધો તૈયાર થયેલો દીઠો છે કે આ ફોજોની હાંકણીઓ ને સવારીઓનાં દોડાં ઓછાં કરીને એને ખભે નાખી દઈશ. હવે તો બુઢ્‌ઢીને પડખે બેસાડીને જંજરી પીધા કરીશ. એ રામાયણ વાંચશે ને હું સાંભળ્યા કરીશ, એ મને રજાઈ ઓઢાડવા આવશે ને હું એને...

ત્યાં તો કલ્પના-દોર તૂટી ગયો. વજીર-મેડી આવી ગઈ. મશાલચીઓ બહાર ઊભા હતા. બારીઓ બંધ હતી. પોતે ઘોડાનું પલાણ છાંડીને ચાકરોને હથિયાર-પડિયાર આપતો, દાદર ચડતાંચડતાં જ