આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
114
સમરાંગણ
 

 ઝરૂખા તરફ વળ્યો. કયું બારણું અવાજ કરતું હતું ? આ ઘરનાં સજીવ-નિર્જીવ બધાંય કાં મારી માફક હચમચી ગયાં ? આ બારણું હલતું લાગે છે. બારણું પકડ્યું. પછવાડે કોઈનો સ્પર્શ થયો.

“ખબરદાર !” શબ્દ એના મોંમાંથી નીકળી ગયો. એણે બારણાની પછવાડે લાકડી ઘોંચી. લાકડીને છેડે કશુંક પોચુંપોચું હોવાનો ભાસ થયો. લાકડી ક્યાંઈક અટવાઈ ગઈ. એણે પાછળ જઈને જોયું. કાળો એક ઓળો લાગ્યો. ‘તને લ્યે રે લે મા આશાપરા !’’ એમ કહીને ડોસાએ છલાંગ દીધી. સાંઠીઓની ભારી જેવી એની કાયામાં આટલું કૌવત ક્યાં લપાઈ બેઠું હતું ? એના હાથમાં એક માનવીના માથાના લાંબા કેશ આવ્યા. પણ એના હાથની લાકડી કોઈકે ઝૂંટવી લીધી. છૂટો હાથ કોઈકના પોલાદી પંજામાં પકડાઈને મરડાયો. તે જ ઘડીએ કેશનો ચોટલો જમણા હાથમાંથી મોકળો થયો. ડોસાએ બીજો દાવ સામા શત્રુની બોચી પર નાખવા હાથ ઘુમાવ્યો. તોતિંગ મોટું માથું એના પેચમાં આવી ન શક્યું. આવડું ગંજાવર માથું એણે કદી જોયું નહોતું. માથેથી છૂટેલો હાથ ગળા પર આવ્યો. ગળામાંથી એ બુઢ્‌ઢા હાથે કાંઈક રસી જેવું પકડ્યું. ‘કોઈક ફાંસીએ લટકાવેલો પ્રેત થઈને તો નથી આવ્યો ને !’ એવી એક શંકા આવીને ચાલી ગઈ તે પહેલાં તો એ ગાળિયો રુદ્રાક્ષના પારાનો બનેલો હોય એવો સ્પર્શ થયો. એ એના હાથમાં આવતાંવેંત જ સામા શત્રુએ લાકડી, હાથ, બધું જ છોડી દઈને કરજોડ કરી કરગરવા માંડ્યું : “છોડ દીજીયેં વો માલા ! વો તૂટને સે મેરી મૃત્યુ હૈ.”

બુઢ્‌ઢાએ આ માળા પહેરેલ ખુલ્લા શરીરને સ્પર્શી જોયું. કોઈક બાવો લાગે છે ! માળા ખેંચીને એને ઓરડામાં દીવાને અજવાળે દોર્યો. ગાળિયે દોરાતી ગરીબ ગાય સરીખો એ ચોર અજવાળે આવ્યો. વજીરે એને નખશિખ તપાસ્યો.

“કોણ છો ?" નીચેથી કોઈ દોડ્યું ન આવે એવા ધીરા અવાજે વાત શરૂ થઈ.

“મા કહાં ?” પૂછનાર જુવાન ડાલામથ્થો ને કદરૂપો છતાં