આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુરુષાતનની પ્રતીતિ
131
 


શહેરનો કબજો લઈને ચોકીપહેરા ગોઠવતાં વજીરખાની અમીરો અચંબામાં પડી ગયા કે શત્રુઓની ફોજ બારેજા સુધી આવી ગઈ તો પણ ભદ્રમાં બેઠેલો સુલતાન કેમ કાંઈ હુકમ કરતો નથી ? બહાર કેમ નીકળતો નથી ? વજીરખાની અમીરો લોમા ખુમાણની પાસે દોડ્યા, પૂછ્યું : “સુલતાન કેમ બહાર નીકળતા નથી ? અમને હુકુમ કેમ નથી દેતા ?”

લોમાએ પોતાનો ભય સુલતાનના નામે ચડાવીને જાહેર કર્યો. વજીરખાનીઓએ લલાટ કૂટ્યું. તેઓ કુરાન લઈને સુલતાનની સન્મુખ પાછલી રાતના પહોરે હાજર થયા. કુરાન પર હાથ મૂકીને સુલતાનને સંભળાવ્યું : “અમારા માટે એક પણ નાપાક વિચાર લાવતા ના, સુલતાન, ને આપ એક વાર બહાર નીકળીને જુઓ કે અમે કેવા લડીએ છીએ. અમે જીતીએ તો આપના નસીબની ચડતી જ છે. ને અમે હારીએ તો પછી આપ અમારાં મુરદાંને પણ જોવા ન રોકાજો.”

લોમા ખુમાણના કચવાટનો પાર ન રહ્યો. “અન્નદાતા,” એણે ચિંતા બતાવી : “તમારું જો કાંઈ અમંગળ થાય તો સોરઠની માલીકોર અમારે જીવવું જ દોયલું થઈ પડશે. ને હું ઘેર જઈને તમારી બોનને મોં શું બતાવીશ ? મુગલો લડવા જવું હોય તો ભલે જાય, મારા અઢી હજાર કાઠીઓ તો તમારી ચોકી કરતા જ ઊભા રે’શે. અમારા કટકા કરી નાખશો તો ય અમે તમું કનેથી નથી ખસવાના.”

“ખેર, ખેર, લોમા ખુમાણ !” મુગલોએ એને ધરપત આપી : “અમે જંગમાં જશું, તમે સુલતાન મુબારકને સમાલજો. અમારે મંજૂર છે.”

પો ફાટતાં તો સાબરમતીના કિનારે પ્રેક્ષકોની ગણી ન ગણાય તેવડી ગંજાવર મેદની ખડી થઈ ગઈ. સુલતાન મુઝફ્ફર પણ ખાનપુર દરવાજેથી બહાર આવીને સાબરમતીને મારગે ઊભો રહ્યો. સામે જ દેખાતું હતું બારેજા ગામ. ભળભાંખડામાં શત્રુઓની ફોજ તો હજુ તંબૂઓના ખીલા ઠોકતી હતી. પાછો ફરેલો સૂબો શાહબુદ્દીન ઇતમાદને ખાતરી આપતો હતો કે “લડાઈની જરૂર જ નથી પડવાનીને ! હું પાછો આવ્યો છું એટલું જાણતાં જ મારા વજીરખાનીઓ અહીં આવ્યા ભાળુંને !