આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરાજિત પર પ્રેમ
141
 


મા ક્યાં ગયાં છે ?”

“તારે કહેવું’તું ને, કે દુનિયા આખી શા સારુ અમારા ઘરની પંચાત કરવા ભેળી થાય છે ?”

“હું તો રોઈ પડી’તી !”

“ઘેલસાગરી ! લાજી નહિ કોકની આગળ રોઈ પડતાં ? રોઈએ શા સારુ ? કહીએ ને, કે એને પિયર પધાર્યા છે. માંદાં પડી ગિયાં છે, મરી ગિયાં છે, બળી ગિયાં છે, કૂવે લપસી ગિયાં છે, દરિયે ડૂબી ગયાં છે.”

“હું તો કહ્યા કરું છું કે દુવારકાંની જાત્રાએ ગયાં છે.”

ઓળખવું સહેલું છે કે આ વૃદ્ધ જેસા વજીર હતા, ને એ ચાલીસ વર્ષની ‘છોડી’ વજીરાણી જોમબાઈની નિત્યસંગાથી ઘરની દાસી હતી. તલવાર બાંધવી ત્યજી દીધાંને આજે વજીરને મહિનાઓ વીત્યા છે. સતા જામની સલામે એ મશાલટાણે મહાપ્રયત્ન જઈ આવે છે. આશાપરાનું દેરું ચડી શકાતું ન હોવાથી ચોકમાં ઊભાઊભા જ દર્શન કરી પાછા વળે છે. મહિનામાં ચાર દિવસના સંધ્યાકાળ ડોસો આંહીં નદીતીરે બરાબર એ જ સ્થાન પર વિતાવે છે, જે સ્થાને એની પત્ની રાજાનું અપમાન પામ્યાં હતાં, જે સ્થાને પત્નીએ કૈં વર્ષો સુધી સ્વહસ્તે પતિના મેલ ધોયા હતા.

કુંવર અજો જામ આવ્યા એટલે વૃદ્ધે ઊભા થવા યત્ન કર્યો.

“હાં, હાં, મારા સમ, બેઠા રહો. તકલીફ...”

“ના રે ના, એમ કાંઈ હું મરવા થોડો પડ્યો છું ?” ઊભા થઈને વૃદ્ધે કુંવરને રામરામ કીધા.

કુંવરનો સંગાથી પોતાની પીઠ દઈ સારી પેઠે દૂર ઊભો ઊભો નદીનાં હેઠવાસ નીરમાં માછલીઓની રમત જોતો હતો. સૂર્ય-કિરણોનાં પ્રતિબિંબોને કૂણીકૂણી કૂંપળો ગણવાના ભુલાવામાં પડેલી માછલીઓ મોઢાંની ઝાપટો મારતી હતી. ઊભોઊભો એ યુવાન કલ્પનાના દોરને કાળ-કૂપને તળિયે ઉતારતો ઉતારતો વિમાસતો હતો : શું આ નદીતીરના