આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરાજિત પર પ્રેમ
143
 

 “ક્યાંથી ખેપિયો આવ્યો છે ?”

“ગોંડળને ગઢેથી.”

“સાવ ખરચીખૂટ ?”

“હા, અમીનખાને ફોસલાવી-પટાવી બે લાખ મેહમૂદી કઢાવી લીધી. હાં, આજ ફોજ ભેગી કરું છું, કાલ લાખમલાખનાં લશ્કરો ઊભાં કરું છું, એવી લાલચ દઈને લૂંટી લીધો. હવે કહે છે કે કોઈ ફોજ આપતું નથી.”

“ખેરડી કેમ ન ગયા ?”

“ગયા, પણ ‘લાવો નાણાં, લાવો નાણાં’વાળી જ વાત : હતાં તેટલાં કાઢી આપ્યાં.”

“હવે ?”

“આપણો આશરો માગે છે. કહેવરાવે છે કે હજુ ય મારા નામના સિક્કા પાડનારી ટંકશાળ ચલાવી રહેલા જામ માથે મને ઇતબાર છે.”

“તમે ગોંડળને ગઢ આંટો જઈ શકશો ?”

“શું જવાબ દઉં ? બાપુએ તો કહેરાવ્યું છે, કે ઓ અમારો બહોળો વંકો બરડો ડુંગર પડ્યો. પેસી જાવ.”

“બસ ત્યારે, બાપુએ શરણ આપ્યું છે એટલે તમે સ્નેહ કરી આવો. તમને ને મને મળવા ય એ ઝાઝા દિ’થી ઝંખે છે. આજ એ પાકો દુઃખી છે, પણ વીર છે. ગણી તો જુઓ, એનું તખત પડી ગયાં પછી પણ એ કેટલી લડાઈઓ લડતો રહ્યો છે. અમદાવાદ હાર ખાધી તો ખંભાત જઈને ઝૂઝ્યો. ખંભાતમાં માર ખાધો તો ક્યાં જાતો રાજપીપળાના ઝાંબા ડુંગરાઓમાં પહોંચ્યો. નર્મદાને ઓળંગીને સો-સો ગાઉ માથેથી પાછો ફોજ ભેડવી ભેડવીને રણમાં ઓરાણો, એ તે કેવો સમશેરબહાદુર હશે ? જોઈ આવો. મારી ને તમારી વતી તો ખાતરી આપી આવો, કે નાણું નહિ દઈ શકાય, પ્રાણ તો દઈ જાણશું.”

“મને અચરજ તો બાપુની થઈ છે.”

“શું ?”