આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
162
સમરાંગણ
 

 “શું?”

“વર્ષો પરની વાત યાદ આવે છે ? સરાણિયાની છોકરીએ બાપુનું ભવિષ્ય ભાખ્યું હતું કે રણથળમાંથી એ પીઠ બતાવીને ભાગી નીકળશે, ત્યારથી બાપુનું જીવતર અંદરથી કડવું બન્યું છે. જીવવામાં રસ રહ્યો નથી. મરવા ટાણે ભૂંડા લાગવાની ભે એમની પાસે આવી ભૂલો કરાવી રહી છે. એમના અંદરના હાલ દયા આવી જાય એવા છે.”

“તમને ક્યાંથી ખબર ?”

“એકાદ-બે વાર બોલ્યા છે.”

સરાણિયાની એ છોકરી ક્યાં ગઈ ? કુંવરની યાદદાસ્તનું એક જાળિયું ઊઘડ્યું. એને ‘ડેલે’ મોકલી દીધા પછી બીજે જ દિવસે બાપુએ મને ગામતરાં કરવા મોકલી દીધો હતો. તે પછી જૂનાગઢ જતી વજીર-ફોજ સાથે હું નાસીને ચાલ્યો ગયો હતો. પાછો આવીને ફોજની ઉપાધિમાં પડી ગયો. સરાણિયણનું શું થયું તે જાણવાની સરત રહી નહિ. કેદખાનામાં હોય તો કઢાવવી જોઈએ. બાપુના મનનો આ ડર કોઈ પણ ઈલાજ કાઢવો જોઈએ. બાપુ જો યુદ્ધના વિરોધી અને હરકોઈ પ્રકારે સંધિના ને સમાધાનના પક્ષપાતી બની જશે તો મારા હજારો ફોજી જુવાનોનાં હૈયાં ભાંગીને ભુક્કો થઈ જશે. તેમની દૃષ્ટિમાં વિલાસ અને મતિમાં મસાણની શાંતિ ઘર કરી જશે. અને એમ કરતાં કરતાં જૂનાગઢ મુસ્તફાબાદ બન્યું તે રીતે નવાનગરને મુસ્લિમ નામ ધારણ કરતાં શી વાર લાગવાની છે ?

એણે બંદીખાને તપાસ કરી. બાઈ નહોતી રહી. વધુ બાતમી મેળવી. બાપુએ બાઈ ભૈરવનાથના મહંતને સોંપી હતી. બાવો એને લઈને બરડા તરફ નીકળી ગયો. આજ વર્ષો વીત્યાં. બાપુ પણ બાવાની ગોતણ કરાવી કરાવી થાક્યા છે. બાપુને એથી વધારે ફાળ પડી છે. બાવાજીના સમાચાર દ્વારકા સુધીના પણ નીકળતા નથી. વચ્ચેથી જ બાવો ગાયેબ થયો હોય તો છોકરી વધુ ભયંકર હોવી જોઈએ. ભૈરવનાથના મહંતનું રૂંવાડુંય ફરકે તો સત્યાનાશ બોલી જાય એવો એ સિદ્ધ પુરુષ હતો.