આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતાનું પાપ
163
 

 એનું નામોનિશાન પણ કેમ ન રહ્યું ? ભૂચરા રજપૂતે જે એક સાધુની અને બે ઓરતોની વાત કરી છે તે પણ કુંવરના મનમાં કડીરૂપ બની. એને જીવતો ગારદ કરીને બે ઓરતોને ઉઠાવી જનાર જમાત કોણ હતી ? કઈ બાજુ ગઈ ? અજાજીએ ઓખામંડળ તરફ જાસૂસો ચાલુ કર્યો.

બાપુના મનનો વહેમ નાબૂદ કરવાની વાત તો બાજુએ રહી. અજાજીનું અંતર છાનુંછાનું બળુંબળું થઈ રહ્યું. એ કન્યાની વિસ્મૃતિ મને કેમ થઈ ગઈ ? યુદ્ધની ઘેલછાએ માનવી જેવા માનવીનું દુઃખ કેમ વીસરાવ્યું ? ને એ છોકરીનું મોં હવે મનમાંથી ખસતું જ કાં નથી ? એણે રાજપૂત પોશાક પહેર્યો હોય તો વધુ રૂડી લાગે. એ મને ‘વીરા’ કહીને દૂરથી ઓવારણાં લેતી હતી તે ઘડીએ એની પાસે જઈને માથું ધરવાનું મને મન થતું હતું. એની ભવિષ્ય-વાણીનો થોડોક ભાગ તો જાણે કે સાચો પડતો આવે છે. આ. ‘પરદેશી’ જુવાન ભાઈબંધ મારી પડખોપડખ મરે તો શી નવાઈ છે ? એ ભેટ્યો ત્યારે જટાળો જ હતો. પોતે બાવાઓમાં રહી આવ્યાની પણ એ વાતો કરે છે. ભવિષ્ય-વાણી માયલો જ એ જુવાન : મારું મન સાક્ષી પૂરે છે.

પણ જેમજેમ કુંવર ભવિષ્ય-વાણી સાચી પડવાની વાત વિચારતા ગયા તેમતેમ કલેજા પર છાયા છવાતી ચાલી. બાપુને વિષે બોલાયેલી કાળવાણી સાચી પડશે તો શું થશે ? જેનો બાપ ‘ભાગ્યો’ ગણાશે તે બેટડાનાં વીર-મૃત્યુમાં કઈ મજા રહી હશે ? પાછલી કેટલી પેઢીઓનાં કપાળે કલંક રહી જશે ? અને ભાગી નીકળેલ બાપની અવશેષ આવરદાનું ભાવિ પણ કોણ જાણે કેવુંય નીવડશે. એ નિહાળવા, નિવારવા કે બાપુની અપકીર્તિનો ભાગ મસ્તકે ઉપાડવા હું જીવતો નહિ હોઉં તો પ્રેતલોકમાં મારે કેટલા ભવ સુધી સળગવું પડશે ?

બાપનો બેટો લાઇલાજ હૃદયે આવતા દિવસોની સવારી કલ્પતો બેઠો. કઠોર હૈયું કરીને એણે તો પિતાનું વહેલું વહેલું મોત પણ વાંચ્છ્યું. કેટલીય અમંગળ કલ્પનાઓ એણે કરી કાઢી.

રાત્રિએ સૂતો હતો ત્યારે એને સ્વપ્નમાં સરાણિયાની કન્યા આવી.