આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જમાતનો મેળાપ
169
 


રક્ષિતા એક બુઢ્‌ઢી મૈયાના નિવાસની જડતી લીધી છે, તો એ કેટલા ગુસ્સે થશે, જાણો છો ? હું જાણું છું. નવાબ તો મને પિછાને છે. અમારે અખાડે તો એમણે તાલીમ લીધી છે.”

દરમિયાન દૂર ઊભેલો નાગ ઘોડો ચલાવીને નજીક આવ્યો, મુગલ આગેવાનને મૂંઝવણમાં ને મૂંઝવણમાં ચુપ ઊભેલો જોઈને એણે તરત તક સાધી. એણે છેલ્લા ઊભેલા ઘોડેસવારને કાનમાં કહ્યું : “બેગ સા’બને આંહીં બોલાવો. હું ખબર લાવેલ છું.”

તકરાર કરતા આગેવાનને આ ખબર મળતાં જ એણે ઘોડો બહાર કાઢીને દૂર લીધો એટલે નાગે શુદ્ધ આગ્રાશાહી જબાનમાં કહ્યું : “આપ જેને શોધી રહ્યા છો તે આલેચના ડુંગરમાં ‘હેડમ્બાને હીંચકે’ પહોંચી ગયેલ છે.”

“તું કોણ છે ?”

“દોસ્ત છું. આ જુઓ.” એમ કહીને એણે આગળ ગયેલી ટુકડી પાસેથી મળેલી અશરફીઓ બતાવી સવિસ્તર વાત કરી.

“કયો મારગ ?”

“સીધો મારગ. ભાણવડ ગામથી રસ્તો મરડાશે. સીધા ‘હેડમ્બાને હીંચકે’ જઈ ઊભા રહેશો. તમારી રાહ જોઈને આગલી ટુકડી ભાણવડને વટાવ્યા પછી દીપડા-જર પાસે થોભશે.”

“તમને મળેલી ટુકડીનું વર્ણન આપો.” ફોજદારે લશ્કરી તોરથી કહ્યું. નાગનો જવાબ પણ એટલો જ શિસ્તબદ્ધ હતો.

“આગે બઢો ! પાછળ આવતાઓને ચેતવો.”

એટલું બોલીને ટુકડીનો આગેવાન જમાતપતિ પાસે આવી ‘માફ કરના’ કહી ચાલી નીકળ્યો.

સૌ ગયા બાદ એક સવારને ઊભેલો જોઈને જોગીઓ કુતૂહલ પામતા હતા ત્યાં તો નાગ ઘોડાને નજીક લાવ્યો. નીચે ઊતરીને એણે એ મહાકાય સંઘપતિની સામે અદબથી હાથ જોડીને શબ્દોચ્ચાર કર્યા તે જોઈ સાંભળીને ગુરુદેવ ચકિત થયા. પૂછ્યું : “અરે કૌન રે, ભાઈ ?”