આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
176
સમરાંગણ
 


આજે પણ એણે ન પૂછ્યું કે તમે કોણ છો ?

સાધુઓ – જેમાંના કેટલાક તો જુવાન હતા – તે બુઢ્‌ઢી પાસે આવીને પગે લાગવા માંડ્યા : “બસ મૈયા ? પુત્ર મિલ ગયા, અબ હમ સબકો છોડ જાયગી ?”

આ દૃશ્ય બપોર સુધી ચાલ્યું. સાધુઓ, જેમાંના અનેકને જનેતાઓ કેવી હોય તે સાંભરતું જ નહોતું, જેમાંના કેટલાકે સ્ત્રી-બાળકોને ત્યજ્યાં હતાં, કેટલાકો પોતાની અપર માતાઓના કે કાકી-મામીઓના માર ખાઈખાઈ ઘરથી નાઠા હતા, તેમને છેલ્લા એક વર્ષથી આ માતા ને આ એક બહેન અથવા બેટી મળી હતી.

તેમનાં મોઢાં પડી ગયાં હતાં. વૈરાગ્યની કઠોર મરુભોમ પર એક વાદળી ઓચિંતી વરસીને વહી જતી હતી. એક લીલી લીંબડીને કોઈક કાપી જતું હતું.

“મૈયા, તૂ જાતી હો તો આશીર્વાદ દે જા, મૈયા, કિ હમારા જોગ અખંડિત ઔર અવિચલિત રહે.”

“મૈયા, તેરી કુછ નિશાની દે કર જા.”

“મૈયા, ફિર કબ લૌટ આવેગી ?”

“બડી મતલબી મૈયા, હમ બારહ માસોં સે તેરે બચ્ચે થે, તબ ભી યહ આજ આનેવાલા એક કી સાથ તૂ ક્યોં ચલ નીકલતી હૈ !”

સાંજે નાગે ઘોડો સજ્જ કર્યો. માં પોતાની સાથેની અબોલ બાઈને લઈને પડાવની બહાર નીકળતી હતી, ત્યારે એણે જોગીઓનાં ખસિયાણાં મોં જોયાં. સાધુવ્રતની કડક શિસ્તે તેમની આંખોમાં આંસુને ને કંઠમાં રુદનના સ્વરને રૂંધી રખાવ્યાં હતાં.

ડોશી બહાર નીકળતી હતી ત્યારે કઈ દિશામાં જવું છે, ક્યાં, કોને ઘેર જવું છે, તે પ્રશ્નો પહેલવહેલા સૂઝયા. એણે નાગ પાસે જઈને નાગના ખભા પર હાથ ટેકવ્યો, ને પૂછયું : “ભાઈ, મને ક્યાં લઈ જાછ ? આપણે ક્યાં ઊતરશું ?”

ત્યારે નાગને ભાન આવ્યું કે પોતાને રહેવા ઘર નહોતું, પિતા