આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
208
સમરાંગણ
 

 ચેતવવા આ છેલ્લો કાગળ લખું છું. ખાન આઝમ અજાજી કોકતલાશનો પડાવ વીરમગામ છે. મુઝફ્ફરને નિકાલો, પાંચસો ઘોડા દંડ ભરો, સુલેહ કરો.”

સતા જામે ચિઠ્ઠી ફાડીને કાસદના ગાલ પર જોરથી ઘૂસ્તો લગાવ્યો ને કહ્યું : “એ મારો જવાબ છે. લઈ જા તારા ખાન આઝમ કોકા પાસે.”

ગડથોલિયું ખાતો કાસદ પાછો વળ્યો. ને આંહીં સતા જામે ફરમાન મોકલ્યું : “કટક ઉપાડો. હડિયાણે ધ્રોળ વળોટવા નહિ દઈએ કોકાની ફોજને.”

હુકમ મળતાં જ દળકટક વહેતાં થયાં. શ્રાવણ મહિનાની અજવાળી બીજ-ત્રીજનો વાદળિયો તડકો એ બેશુમાર બહુરંગી કટકદળ ઉપર ધૂપછાયાની રમત રમવા લાગ્યો. ફોજની મોખરે બુઢ્‌ઢા વજીર હતા. વજીરની બાજુએ દફેદાર નાગનો ઘોડો ચાલ્યો આવતો હતો. નગરના વેપારીઓ રોજગારીઓ પોતાની સોગાદો લઈલઈને વિદાય દેવા ઊભા હતા. ઠેરઠેર કંકુનાં તિલક થતાં હતાં. ગઢની રાંગ ઉપરથી અક્ષતની વૃષ્ટિઓ થતી હતી. માતાઓ, બહેનો અને પત્નીઓનાં મોં ઉપર હાસ્ય અને રુદનની મારામારી ચાલી રહી. કેટલીય પરદેનશીન ૨જપૂતાણીઓ વધુ સુખી હતી, કે દીકરાઓના વિદાય લઈ જતા ચહેરાઓને જોઈ જોઈને સૌનાં દેખતાં ધીરજ હારી બેસવાનું તેમનું દુર્ભાગ્ય નહોતું.

લોકોના લલકાર ઊઠે છે : “વજીર બાપુની જે ! સૌને હેમખેમ લઈને પાછા વે’લા વળજો.”

વજીર સૌને શિર નમાવતા ચાલ્યા જાય છે.

‘માવતોએ ધલેત ધલેત કરી હાથીઓને નવરાવ્યા. આખે શરીરે તેલ-આંબળા ચોળીને કાળા પહાડ જેવા બનાવ્યા. તેમના ચાચરાઓમાં સિંદૂરની ચરચા કરી કલાબા બાંધ્યા, ઝૂલો નાખી વીર-ઘંટ લટકાવ્યા. રાતા, પીળા ને હરિયા રંગોથી રંગેલા ગજરાજો ઇંદ્રધનુષ જેવા લાગ્યા.

એવા ચાર હજાર હાથીઓ તૈયાર થયા. ને માવતોએ મંત્રજંત્ર તથા મોહોરાં હાથે બાંધ્યાં, કમર કસી, માથે બાનાબંધી પાઘડીઓ બાંધીને