આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુરાપુરાનો સાથ
219
 

 “સારું, બાપુ, સારું.” કુંવરે કહ્યું : “આપ શ્વાસ હેઠો મૂકી લ્યો. આપના જીવનો ગભરાટ નમવા દ્યો. હું જાઉં છું, ને સૌને ઠેકાણે પાડવાનું કરું છું.”

“મને – મને – ઠેકાણે – ઠેકાણે.”

એ શબ્દો સાંભળ્યા – ન સાંભળ્યા કરીને અજો કુંવર દોટાદોટ મુઝફ્ફરશાહ પાસે પહોંચ્યો. શાંતિથી એનો પંજો ઝાલીને કહ્યું : “ભાઈ, કોલ આપો, કે દુભાશો નહિ ને મારું કહ્યું કર્યે જશો.”

“તમારા હર બોલનો હું ગુલામ છું. ફરમાવો, શું બન્યું છે ?”

“કાંઈ નથી. પિતાજીને આપની ફિકર થઈ પડી છે. આપણી ફોજ તો ફાંકડી લડાઈ કરે છે. પણ પિતાજીનો જીવ આપને માટે ભારી ગભરાય છે. આ૫ આંહીં હશો ત્યાં સુધી એને ચેન નહિ પડે માટે આપ કચ્છ-ભુજમાં પહોંચી જાવ. એ અમારું જ ઘર સમજજો. આંહીંથી ઓખામંડળ, ત્યાંથી વાઘેરરાજ સંગ્રામજી આપને ખાડીપાર કરશે.”

લોમો અને દૌલતખાન ખૂટ્યા છે તેનો શબ્દ પણ કુંવરે કહ્યો નહિ. એ જ પ્રહરે ઘોડવેલ તૈયાર થઈ. અજાજીએ મુઝફ્ફરશાને બાથમાં લીધો. “ભાઈ, માફી દેજો ! અમને સૌને, મારા પિતાને, સોરઠ દેશને ક્ષમા દેજો.” કહેતાં કહેતાં કુંવરનો કંઠ ગદ્‌ગદ્ થયો. લોમો, દૌલતખાન અને પોતાનો જ પિતા એની આંખોમાં જળજળિયાં ભરી રહ્યા હતાં.

“માફી કે અહેસાન? ઓ દોસ્ત !” મુઝફરે યુદ્ધના મામલાની અજ્ઞાત દશામાં જવાબ દીધો: “સોરઠની ઈમાનદારી પરનો મારો છેક બચપણનો ઇતબાર તો આજે સફળ બન્યો, ભાઈ ! આપના બાપુના દિલમાં મારી કેટલી બધી ફિકર ! કેટલી એ ઇતબારની કીમત ! આટલા વાસ્તે જ દોડતા આવ્યા. ઓ હો હો !”

‘સોરઠની ઈમાનદારી’ એ શબ્દ, વિધાતાના કાતિલ કો કટાક્ષ-શો, મુઝફ્ફરના મોંમાંથી વારંવાર પડતો હતો ને કુંવરનું કાળજું કાપતો હતો. પણ એનો કોઈ જવાબ નહોતો.

“બોલ્યાં-ચાલ્યાં માફ, ભાઈ ! સુલતાન ! ફરી કોણ જાણે –”