આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
14
સમરાંગણ
 

 અન્નદાતા, એમ ઇચ્છું છું કે આપણે સૌરાષ્ટ્રનાં રાજ્યોમાં એકરસ બની જવું ને ઇસ્લામને આંહીંથી હઠાવવો.”

“આપણે સોરઠની એકતા માટે ઠાલા ખુવાર શા સારુ મળવું જોવે, જેસાભાઈ ? મારતા મિયાંની તલવારનો મુલક છે. હું તો સુલતાનનો ટેકો લઈને પણ જામની રૈયાસતના ઊંડા પાયા રોપવા માગું છું. તે વગર આપણને પરદેશીઓને આ વસ્તી જંપી બેસવા નહિ આપે. તમે પાછા આવો એટલે આપણે અમદાવાદ જઈ આવીએ.”

“આપણી પાસે નજરાણો મૂકવાનાં નાણાં નથી, અન્નદાતા.”

“તમે ય ભલા આદમી છો, જેસાભાઈ, હું સુલતાનને ઘેરે નાણાં સોંપવા નહિ પણ નાણાંનું ઝાડવું ખંખેરવા જાવાનું કહું છું.”

“શી રીતે?”

“એ અત્યારે નહિ કહું. એક જ મેહમદી રૂપૈયે સુલતાનને રાજીરાજી કરી નાખવાની એક કરામત મારા મનમાં રમે છે. પણ આજથી કોઈને નહિ કહું. તમે ય મારી અક્કલ ઉપર આફરીન બની જશો. જેસાભાઈ ! જોઈ રાખજો.”

“મને તો, અન્નદાતા ! સોરઠની એકસંપી કરવા સિવાય કોઈ બીજી કરામતમાં અક્કલ વટાવી નાખવાનું ગમતું નથી.”

“તમારો જમાનો જૂનો થયો ખરો ને !”

“બીજું કાંઈ નહિ, પણ આપણે કચ્છને ચૂંથી નાખ્યું છે, હવે કાઠિયાવાડને ન ચૂંથીએ. પછી તો જેવી ધણીની મરજી.”

એટલું કહીને જેસો વજીર ઊઠ્યા. સતો જામ એને વળાવવા ઊઠ્યા. બારણા સુધી ગયા ને પછી હસ્યા : “જેસાભાઈ ! મને તો હજી ય સાંજનું નદીકાંઠાનું રોનક યાદ આવે છે. એ જોરારનો તે કોણ  ?”

“અન્નદાતા !” જેસાભાઈએ અરજ કરી : “હવે કોઈ વાતે માફ રાખવું છે કે નહિ ? મારાં પળિયાં માથે તો એટલી મહેર કરો !”

“શું છે પણ, તમારે ને એને કાંઈ...”

“કાંઈ તો બીજું શું ? મારું પેટ છે.”