આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
40
સમચંગણ
 

 કદાવર દેહને ઝોળીમાં નાખીને કાંધે ઉઠાવ્યો. દિલ્હી લઈ ગયા. જીવી ગયેલો રાજરાણો અકબરને દરબાર આદર પામ્યો. અઝાઝૂડ પાદશાહ-જોદ્ધા ‘એક્કા’નું માથું એ સોરઠિયા ઝાલા રાયસંગજીએ મૂઠી મારીને ઘીના કુડલામાં દાટો બેસારી દે એમ બેસાડી દીધું. વીરતાને વંદનાર શાહ અકબરે રાજરાણા રાયસંગને લશ્કરમાં દરજ્જો દીધો. રાયસંગ હળવદ પાછા આવેલ છે. મોટો થાઉં, એની પાસે જાઉં, એની સિફારસ મેળવીને દિલ્હી પહોંચું, ભેળો મારો ભાઈબંધ નાગડો હોય તો રંગ રહી જાય.

સૌરાષ્ટ્રના સમકાલીન ઇતિહાસમાંથી એવા અભિલાષોની ઊર્મિએ થનગનતો બાળો જામ અજોજી વધુ ને વધુ એકલવિહારી બનતો ગયો. બાપુની હીણી કરામતોથી એ આઘો ભાગ્યો.

સાત વર્ષનો બાળક એ વધુ દયાજનક દૃશ્ય હતું, કેમકે ઉદ્‌ભવતા વિચારો અને ઊભરાતી લાગણીઓ ઉચ્ચારવાની વાણી એની પાસે નહોતી. અને ‘જોરારના’ નાગડાને માટે ઝૂરતું હૃદય નાગની ગામમાં કોઈની દિલસોજી મેળવી શકતું નહોતું.

આશાપરાને દેરે કોઈકોઈ વાર નાગડાની મા વજીર-પત્ની અને બાળકુંવર અજોજી ભેગાં થઈ જતાં. “ઘંટ વગાડવો છે, બાપા ?” એમ પૂછીને અજાજીને એ પારકી મા તેડી ઊંચા કરતી. અજાજીને ત્યારે ભાઈબંધ વિશેષ યાદ આવતો, કેમકે ભાઈબંધ ઘોડી થતો ને તે ઉપર ઊભા રહી ટોકરો બજાવવાનું હવે નહોતું મળતું.

પછી વજીર-પત્ની મા આશાપરાના બળતા દીવાની સામે છાનીમાની ઊભી રહીને હાથ જોડી રાખતી, આંખો ચોડી રાખતી, પોપચાં બીડી જતી, ને એ બીડેલાં પોપચાંની ચિરાડમાંથી જ્યારે શંકરને શિરે ગળતી જળાધારીના જેવાં આંસુનાં બિન્દુઓ ટપકતાં ત્યારે બાળક અજોજી એ માતાની પાસે છેક અડકીને ઊભો રહી એના મોં સામે તાકી રહેતો. બેમાંથી એકે ય પોતાના હૈયાની વાત પૂછી શકતું નહિ.