આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠનો કોલ
45
 


હમણાં જ જાણે જરીક વધુ ઊંચો થશે તો આભને અડકી જશે એવો એક કદાવર આદમી, કરચળીઆળા કેડિયા પર કનેરીબંધ પછેડીની ભેટ લપેટીને ભેંસોના ધણ વચ્ચે એક નાથેલા પાડાની ડોક ખજવાળતો ખડો હતો. એની બગલમાં એણે તલવાર દાબી હતી. એની કમ્મરમાં કટારી પડી હતી. એના માથા પર ઊંચું મોળિયું હતું. વયમાં તો જુવાની વળોટીને પ્રૌઢાવસ્થાના પંથ કાપતો ભાસ્યો. આવા ગજાદાર માણસો તો પઠાણો પણ હોય છે, પણ આવી સીધી, સોટા સમી દેહ-કાઠી તો સૌરાષ્ટ્રના કાઠીઓ સિવાય કોઈની નહોતી સાંભળી સુલતાન મુઝફ્ફરે. ધીરેધીરે ક્યાંક દીઠેલો પણ લાગતો ગયો.

ઘોડેથી ઊતરીને જુવાન એક વડને છાંયે ઊભો રહ્યો. ખાડુ વચ્ચે ઊભેલા દરબાર લોમા ખુમાણે અજાણ્યા અસવારને તીરછી નજરે નિહાળ્યો. લોમા ખુમાણની જોવાની એ સ્વાભાવિક છટા હતી. સન્મુખ નજર નોંધીને એ ભાગ્યે જ કોઈના સામું જોતા. ફાટ્યા ડોળા જેટલું જોઈ શકે છે તેના કરતાં તીરછી આંખો ઘણું વધુ, ને ઘણા વિશેષ ઊંડાણે જોતી હોય છે. સામા ડોળા તો જેટલું જુએ છે તેના વડે છલોછલ ભરાઈ જાય છે. ત્રાંસી દૃષ્ટિ બારીક વિગતોનું વાંચન કરી શકે છે, કલેજાં ઉકેલે છે, માણસના ભીતરનો ભાગ માપી શકે છે. આટલું કર્યા છતાં પાછી એ પોતાની જાતને તો સામા જોનારથી સાવ સલામત રાખી શકે છે.

“ખબરદાર જો કોઈએ ખેરડીની સીમમાંથી દૂધાળાં ઢોરને ઓછાં થાવા દીધાં છે તો !" લોમા ખુમાણ ગામલોકોને ઠપકો દેતો હતો : “દૂધ ન વરતાં હોય તો ઘોડાંને ધરી દ્યો, પાછાં ભેંસ્યુંને પાઈ દ્યો, પણ કમતી કરશો નહિ. કાઠીની ધરતીને ધમરોળવા નથી દેવી. જુવાનોનાં ડિલ એકલા રોટલાથી નહિ તૈયાર થાય. દૂધ પાવ, ગોરસ ખવરાવો, માખણના પિંડા ને પિંડા જમાડી દ્યો. જમાનો કાળઝાળ હાલ્યો આવે છે. હાલારમાં રહેવું કઠણ થઈ જશે – જો માયકાંગલા જુવાનો ખડક્યા કરશું તો.”

“કોઈક જુવાન અસવાર આવ્યો છે.” માણસે આવીને કહ્યું.