આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મસલત
61
 

 રજપૂતોને દઈયેં નહિ. સુલતાનોને બેશક દઈએ.”

“જાડેજાનું ખોરડું તો પડતા આભનો થાંભલો જ છે, જામ-બાપુ ! અમે તો જાડેજાથી જ ઊજળા છીએ.”

એમ કહીને પછી લોમા ખુમાણે વિદાય લીધી.

મહેમાનના ગયા પછી પણ જેસા વજીરનું મૌન હલ્યુંચલ્યું નહિ. સતા જામે કહ્યું : “જેસા વજીર ! આમ કરતાં તો તમને વિચારવાયુ ઊપડી જશે. શું ભાંજઘડ કરી રહ્યા છો મનમાં ?”

“નહિ, અન્નદાતા.” જેસા વજીરે કહ્યું : “બીજું તો કાંઈ નહિ, પણ આપે લોમા ખુમાણની ચાલે ચાલવા જતાં પહેલાં ખૂબ વિચાર કરવા જેવું છે.”

“વાત શું કરો છો, વજીર ?” જામને આ ચેતવણી પોતાની અક્કલના અપમાન બરાબર લાગી : “હું શું મૂરખ છું, કે કોઈકની મતિએ ચાલું ? હું તો લોમા જેવા અઢારને મારી મતિએ ચલાવું, જાણો છો, જેસા વજીર ?”

“અન્નદાતા,” જેસાએ સહેજ સ્મિત કર્યું : “જાણું છું એટલે જ આપના વિષે આપના અભિપ્રાયથી હું જુદો પડું છું ના ?”

“મારા વિષે આખી દુનિયાનો ઊંચો મત, હીણો મત એક તમારો જ. તમને હું કોઈ દિવસ ન સંતોષી શક્યો. અભાગ્ય છે મારી !” જામ નાના બાળકની પેઠે બળતરા કાઢવા લાગ્યા.

“ખમ કરો, અન્નદાતા. પણ આપનું મન ચોક્કસ નથી રહી શકતું. તે દિવસે દેદાઓની મોકલી ધૂળ મેં સંઘરાવી લીધી. વળતે દિ’ હું એને વિશ્વાસ આપીને નગરમાં તેડી લાવ્યો. મારે તો પાડોશીઓને મજબૂત રાખી નગર ફરતો મિત્રોનો ગઢ બાંધવો હતો. પણ આપે મને ય ખબર પડવા દીધા વગર એ પરોણાઓની કતલ કરાવી નાખી. એ બળતરા હું ક્યાં સંઘરું ? તો ય સંઘરીને બેઠો છું. ઉપર જાતે આપનું દિલ દુભાય છે. ખેર, માફ કરો, ધણી છો.” એવું કહીને જેસા વજીરે પણ ઘરની વાટ લીધી.