આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરદેશીને તેડું
69
 


કદમોમાં. એનો બનાવ્યો જ હું આજે સુલતાન બનું છું. ને કહેજો એને, કે સલ્તનતના સિંહાસન પરથી ગબડી પડીશ તે દિવસ પાછો હું કાઠિયાણી બહેનનાં જ કદમોમાં દડતો દડતો આવી પહોંચીશ.”

“આવજે ભણેં બા ! જરૂર આવજે ! તુંથી વષેક શું છે, ભણેં બાપ !” કાઠી સરદારે સરળ જવાબ દીધો.

કાઠિયાણી બહેનને માટે અઢળક પહેરામણી લઈને લોમા ખુમાણના અંગરક્ષકો સૌરાષ્ટ્ર સિધાવ્યા. અને અમદાવાદ શહેરમાં પોતાના ઘરને ઉપલે માળે ઇતમાદે એકલવાસ સ્વીકાર્યો. અમીરો ને સેનાપતિઓ મુલાકાતે આવ્યા. નીચેથી જ ઈતમાદે જવાબ મોકલ્યો : “હમો દુનિયાદારીથી વાનપ્રસ્થ થયા છીએ. હમારા ઘરના ખૂણામાં એકાંતે રહીએ છીએ. તમે જાણો ને દેશ જાણે. સુલતાન જાણે ને ગુજરાત જાણે. આ ખૂણામાં રહેવા દેશો તો ઠીક છે, ન રહેવા દેવા હોય તો હમો જ્યાંથી આવ્યા છીએ ત્યાં ચાલ્યા જશું.”

પણ એ એકાંતવાસી વાનપ્રસ્થ પુરુષ કયા ઈશ્વરને ભજી રહ્યો હતો ? કિનાને : સર્વસત્તાધીશીને : ગુજરાતના ગુલશનને નહિ, પણ ગુજરાતના કબજા-ભોગવટાને. એ કોઈક છૂપો કાગળ લખાવતો હતો.

એકાએક એની મેડી પર એ કોણ ચડી આવ્યું ? સૈયદ મુબારકના પુત્ર સૈયદ મીરાનને જોઈ ઇતમાદને ધ્રાસકો પડ્યો. એણે લખેલો કાગળ ગોઠણ નીચે દબાવી દીધો. હાંફળાફાંફળા બનીને એણે સત્કારના સખુનો કહ્યા : “આઈયે હઝરત, આઈયે ! સુબાનલ્લાહ ! આપ ક્યાંથી ?”

“એક જ વાત કરી લેવા આવ્યો છું, ખાંસા’બ ! ફુરસદ હોય તો કહું.”

“બેલાશક બોલો.”

“યાદદાસ્ત કેવીક છે ?”

“ખુદાની રહમથી સારી છે.”

“સુલતાન મહમૂદ ત્રીજાના વખતમાં વિદેશી શાહ ચડી આવેલો ત્યારે તમારી ને મારા પિતા વગેરે અમીરોની મસલતોમાં શું થયું હતું