આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોહાગની રાત
83
 

 મત એમ જ પડ્યો કે ઈ બાઈ કોઈક મેલાં મંતરતંતર સાધનારી હોવી જોવે, ને કાં મુંગલા પાદશાની જાસૂસ હોય તો ય ના નહિ.”

“બાપુના પઢાવ્યા પોપટડા જ ને બધા !” વૃદ્ધાએ વચ્ચે ટકોર કરી.

“હવે આનું કરવું શું ? બાપુને થઈ પડી ચિંતા. ડેલામાં ને ડેલામાં ઠેકાણે પાડે તો, છે ને કદાચ મેલી કોઈ જોગણી હોય, તો પાછી કાયમની ચોટે; મુંગલાની જાસૂસ જો હોય, તો એના મોતની વાતું દલ્લી પોગ્યે કાંઈક ડખમાળો જાગે. એટલે પછી નાગનાથના બાવાજીને બોલાવ્યા. બાવાજીએ ભેરવને સાધેલ છે. બાવાએ કહ્યું કે હું એ લડકીના પેટનો સાચો તાગ લઈ શકીશ, મને એ સુપરદ કરો. હું એને મારા થાનક માથે લઈ જઈને પારખું લઈશ.”

“હેં ! હેં ! એને સોંપી દીધી ?” જોમાંબાઈ ફાટતે ડોળે પૂછતાં થંભી ગયાં.

“સોંપી દીધી, ને નાગનાથના બાવાજી એને લઈને બરડાના ડુંગરાઓમાં ચાલ્યા પણ ગયા. આજ દી થઈ ગયા બે.”

કપડાં ચોળાઈ રહ્યાં હતાં. નાહવાની વેળા થઈ ચૂકી.

“લ્યો, મા, વાંસો કરું.” ગોલીએ કહ્યું, તેનો કશો પ્રત્યુત્તર વજીર-પત્નીએ આપ્યો નહિ. એનું મન નાહવા-ધોવામાં નહોતું રહ્યું. એનો બરડો ચોળતી ચોળતી ગોલી બોલ્યે જ જતી હતી : “છોકરી જાસૂસ તો શું ધૂળ હોય, મા, હશે તો જાણે કે નક્કી કોક વિદ્યાધરી : કોક મેલી જોગણી : કાંક પૈસા પેદા કરવા આવી હોવી જોવે. રહી તો ચાર જ દા’ડા, પણ ઘેરઘેર ઢોરાંને રોગચાળો લાગી પડ્યો. પરમ દી ગઈ તે પછી રોગ હેઠો બેઠો. સારા પરતાપ નાગનાથના બાવાજીના, આસુરી માયાને ગાંઠે બાંધી લીધી. મહીંમહીં તો લોક એમ પણ બોલે છે કે ઢેઢું હારે ઈ બાઈને સંતલસ પણ હશે. ખૂબ ઢોર મારીને ચામડાંમાંથી ભાગ મેળવવો હશે.”

જોમાબાઈએ બોલ્યા વગર ચાલ્યા જ કર્યું.