આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫


સંધ્યાકાળે સાગરકિનારે


(હરિગીત)

ગંભીર સાગર ઉછળતો ધુજવે ધરા ગર્જન કરી,
ને ઘોષ તેના ગગનને ધૂમાવતા ખુબ ધુન ભરી;
એ ઘોષના તરતા તરંગે કિરણરંગો પ્રોઇને,
નગવેલડી પાછળ સૂતો રવિ સૌમ્ય સંધ્યા મોહીને. 

ચુંમે શિખર આકાશને ત્યાં કનકસરિતા રેલતી
અંધારમુખ વહી જાય ધીમે રંગ વ્યોમે ખેલતી;
શિખરો નીચે છાયા ઊંડી લંબાતી જાય ધરા પરે,
ને મંદમંદા ચંદ્રિકા નિજ સ્નેહશ્વાસે જગ ભરે. 

સાગર કૂદે નિજ તાનમાં, ભરતી ભરે, ખાલી કરે,
ને ગૂઢ લેખે જગતનો ઇતિહાસ તટ પર ચીતરે :
ફરી એજ સાગરતીર હું આવી પડું તે વાંચવા,
પળ એક કંઈ સમજું જરા ત્યાં હૃદય લાગે નાચવા.