આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાર-શાકુંતલ
(સર્વ રાજાને જોઈ કંઈક ભ્રાંતિમાં પડી જાય છે.)

અન૦— આર્ય ! અનર્થ કોઈ પણ નથી, આ અમારી પ્રિયસખી ભ્રમરથી બીધી છે (શકુંતલાને દેખડાવેછે.)

રાજા— (શકુંતલાની સામાં ઊભો રહી) ત૫ની વૃદ્ધિ છેની ?

(શકુંતલા લજ્જાએ ઉત્તર ન દેતાં નીચુ જોય છે. )

અન૦— હા, હવે આ૫ સરખા ઉત્તમ અતિથિને લાભે છેજ. બેન શકુંતલા ! જા ને કુટીમાંથી ફળમિશ્રઅર્ધ્ય લેઈ આવ, પાદોદકતેં અહિ છેજ.

રાજા— આ તમારી પ્રિય સત્ય વાણીએજ આતિથ્ય કીધું.

પ્રિયં૦— તો હવે આ સપ્તપર્ણની શીતળ ગાઢી છાયાતળે ઓટલી ઉપર ઘડી એક બેસી વિશ્રાંતિ લેવી અાર્ય !

રાજા–તમને પણ આ કામથી શ્રમ થયો છે માટે તમે પણ બેસો.

અન૦— બેન શકુંતલા ! અતિથિની પાસે રહી સેવા કરવી આપણને ઘટે છે, અહીં બેસીએ.

શકુંo— (સ્વગત) એમ કેમ ? ખરે આ પુરૂષને જોઈ તપોવનને વિરૂદ્ધ વિકાર મારા ચિત્તમાં ઉત્પન્ન થાય છે !

રાજા— (સર્વને જોઈ) અહો સમાન વયરૂપવાળી તમારી મૈત્રિ રમણીય છે !

પ્રિયં૦— (ધીમે) સખી અનસૂયા ! આ ચતુર ગંભીર આકૃતિમાન્ મધુર ભાષણ કરનારો ચંદ્ર સરખી કાંતિવાળો કોણ હશે વારૂ ?

અન૦— મને પણ અચરજ લાગેછે સખી ! અમણાં પુછુંછું એને (પ્રગટ) આર્યના મધુર ભાષણે ઉત્પન્ન કરેલો વિશ્વાસ બોલાવે છે કે આર્ય કીઆ રાજર્ષિવંશને શોભા આપોછો ને કીઆ દેશના કીઆ લોકને ઉત્કંઠિત કીધાછે વિરહે ? વળી કીઆ કારણે સુકુમાર શરીરને તપોવનમાં આવવાનો શ્રમ પમાડ્યો ?

શકું૦— (પોતાને) રે હૈડાં, ઉતાવળું મા થા, તારાજ ચિંત્યાનું આ અનસૂયા પૂછે છે.

રાજા—(સ્વગત) કેમ હવે પોતાને પ્રગટ જણાવું કે ગુપ્ત રાખું? ના, આમજ કહું (પ્રકાશ) પૌરવે જેને ધર્માધિકારે યોજ્યો છે તે હું છું, નિર્વિઘ્ને ક્રિયા ચાલે છે કે નહિ તે જાણવાને આ ધર્મારણ્યમાં આવ્યો છું.

અન૦— ધર્માચરણ કરનારાં સનાથ થયાં હવે.

શકું૦— (લાજ પામ્યા જેવું દાખવે છે.)