આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
અંક ૭ મો
સાર-શાકુંતલ


તાપસી— તો સર્પ થઈ તેને ડસે.

રાજા— એવી વિક્રિયા તમને કોદી પ્રત્યક્ષ થયલી છે ?

તાપસીઓ— અનેક વાર.

રાજા— (સ્વગત) મારો મનોરથ પૂર્ણ થયો તો કેમ ન હરખાઉં. (બાળકને છાતી સરસો ચાંપેછે.)

તાપસી— (બીજીને) વ્રતે ! આવ આપણે આ વૃત્તાંત નિયમવ્રતે રહેનારી શકુંતલાને જણાવિયે. (જાય છે)

બાળક— મુક મને, અંબાકને જાઉં.

રાજા— પુત્ર ! મારીજ સાથે આવી તારી માને આનંદ પમાડજે.

બાળક— મારો તાત તો દુષ્યંત, તું નહિ.

રાજા— (મલકાઈ) આ વિવાદજ મારી પ્રતીતિ કરે છે.

(કેશનો જૂડો બાંધેલો એવી શકુંતલા આવે છે.)

શકુંતલા— (વિતર્કે) સર્વદમનની વનસ્પતીને વિકાર થવો જોઈએ તે ન થયો એ સાંભળી મને મારા ભાગ્યની આશા રહી નથી. (અહીં તહી ફરે છે.)

રાજા— (શકુંતલાને જોઈ) તેજ આ શકુંતલા !

વસ્ત્ર ધૂળિયાં પડ્યાં બે ને વેણી એક ધારંતી,
લેવાયૂં મુખ નિયમે રહેતાં શુદ્ધ શિયળ રાખંતી;
અતિ નિર્દય હું તેનું વિરહવ્રત દીર્ધ વળી પાળંતી. ૧૩૧

શકું૦— (૫શ્ચાતાપે રાજાને વિવર્ણ જોઈ) ખરે એ આર્યપુત્ર તો નહિ હોય ? તો કોણ, રક્ષાને અર્થે દોરો બાંધેલા એવા મારા પુત્રને ગાત્ર અરકાડી અપવિત્ર કરે ?

બાળક— (માપાસે જઈ) અંબા ! કોણ એ પુરૂષ ! પૂત કહી સંનેહે ભેટે છે.

રાજા— પ્રિયે ! તારે વિષે મારું જે ક્રૂરપણું તેપણ યુક્ત અનુકૂલ પરિણામને પામ્યું કે આજે તેં ઓળખ્યો એવો હું પોતાને જોઉંછું.

શકું૦— (સ્વગત) હૃદય ! ધીર ધર, ધીર ધર, મત્સર તજેલો એવાં દૈવે મારા ઉપર દયા કીધી, આર્યપુત્ર એજ છે.

રાજા— પ્રિયે ! દેવયોગે,

સ્મૃતિયે જેનો મોહતમ ટળ્યો તેનિ સંમુખે ઉભી સુમુખી !
ગ્રહણ છુટે શશિકેરો યોગકરે રોહિણી વળી ફરિથી. ૧૩૨

શકું૦— જયતુ જયતુ આર્યપુત્ર (એટલું બોલે કંઠ ભરાયે સ્તબ્ધ રહે છે.)