આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સરવાળે હાનિ ન થાય અને લાભ થાય એવી રચના કરવી એ એકેએક કથાકરનો ઉદ્દેશ હોવો જોઈએ; અને વાંચનારની રુચિ શોધી તેને અનુકૂળ પોતે થવું તેના કરતાં તેની સદ્રુચિને જ અનુકૂળ થવાનું રાખી, બીજી રીતે પોતાની અભીષ્ટ સદ્રુચિ વાંચનારમાં ઉત્પન્ન કરવામાં વીર્યવાન્ ગ્રંથકારનું પુરુષત્વ સફળ થાય છે.

જિજ્ઞાસારસને દ્રવતો કરી મિષ્ટ વાર્તા ભેગો ઉપદેશ પાઈ દેવો; પરવશ થતાં જ સુમાર્ગે ચાલે એવાં પુરુષત્વહીન ચિત્તોને સન્મૂર્તિઓની ઉચ્ચ સુન્દરતાના મોહપાશમાં નાંખી સદ્‌વૃત્તના ઘેનમાં ગતિમાન્ થવાનો અવકાશ આપવો; કથાના વ્યસનીને સુકથાથી મદિરા પાઈ સત્કર્મના વ્યસનમાં પડવાનો માર્ગ દેખાડવો; આળસુ વિદ્વાનોમાં સત્પ્રતિભા જગાડવી; સુચિત્રોના મિષ્ટ પરિપાકમાં શાસ્ત્રના સંસ્કારોનો મધુર મધુર સંભાર કરવો; અવકાશવાળાના અવકાશરૂપ ભુંગળામાં સન્મોહની ફુંક મારવી; અને નિરક્ષર જનને તેના ગજા પ્રમાણે અક્ષરલભ્ય જીવનના રસિક ક૨વાઃ અા અને એવા ઘણાક કાવ્યકથાના ઉદ્દેશ આ કથાકારોથી અજાણ્યા નથી અને યુરોપમાં પણ પ્રશસ્ત વર્ગમાં પ્રશસ્ત ગણાય છે. અાપણા શાસ્ત્રકારો તો કહે છે જ કે આવી કથાઓ મિત્રની પેઠે – સ્ત્રીની પેઠે – ઉપદેશ કરે છે.

સાધારણ વર્ગની આ સેવા દુસ્તર નથી એટલી સત્ય અને સારના શોધકોની સેવા ગહન છે; કારણ મનહર થવા કરતાં મનભર થવું એ વધારે સાધન અને શક્તિની અપેક્ષા રાખે છે. પંડિતવર્ગ દેખીતી ક૯પનામાંથી સત્યની ચાળી ક્‌હાડે છે અને તેમના હાથ તેમને યોગ્ય સદ્વસ્તુથી ભરવા એ જ્ઞાન શ્રીમંતની જ શક્તિથી બને એવું છે. જડ વ્યવહારમાં જ પલોટાયેલાં દેખાતાં કેટલાંક ચિત્ત અન્ય ચેતનને અગોચર રહેતાં સ્થાનોમાં પળવાર સંચાર પામી ઉંડી કવિતા અનુભવે છે; તેવાં ચિત્ત દેખીતા વ્યવહાર-ગદ્યની વચ્ચોવચ હૃદયનાં ગાન સાંભળવા ઉત્સુક થાય છે. તેમને તૃપ્ત કરવાં એ પણ કોઈ શુદ્ધ કવિના પ્રાસાદિક મહિમાથી જ સાધ્ય છે. સંસારપંડિત મનુષ્યો નવલ ક૯પનાનાં મંડપ વચ્ચે કીયો ઇતિહાસ, વરરાજા પેઠે, ઉભો છે તે સૂક્ષ્મ દૃષ્ટિથી જુવે છે, અને કેઈ નીતિ, કન્યા પેઠે, વરાવાની છે તે શોધે છે; ટુંકામાં માનવીના બ્રહ્માંડ જેવા ચિત્તની હજારો હજારો વીગતો પંડિતવર્ગ નવલકથાઓમાં શોધે છે તે વીગતનું આ માત્ર દિગ્‌દર્શન જ છે. એ વર્ગને કવચિત્ પણ તૃપ્તિ અપાય તો તે મહાસંતોષની વાત છે.