આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬


વર્તમાનપત્રોની નકલો, અને પ્રજા પોકારની અરજીયોની નકલો સાહેબ પાસે પણ પરભારી જાય એ બંદોબસ્ત, બુદ્ધિધને કર્યો. વાણીયાની સ્ત્રીને લીલાપુર મોકલી અને અરજી કરાવી. બસ્કિન સાહેબ બીજા પ્રાંતમાં હતા તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો અને પોતાની સ્થિતિ કંઈક અંશે જણાવી. બસ્કિન સાહેબે ઉત્તરમાં એક આશ્વાસનપત્ર મોકલ્યું, અને જણાવ્યું કે હું રસલસાહેબને ત્હારે વાસ્તે લખીશ. બસ્કિન સાહેબનાં મડમ વીલાયતથી આવવાનાં હતાં: તેમને રસ્તો લીલાપુર થઈને હતો; બુદ્ધિધન પ્રમાદધનને સાથે લઈ તેમને મળી આવ્યો, મેડમ સાહેબ મારફત રસલસાહેબને મળ્યો, સંસ્થાનની વાતો કરી, અને સાહેબને ખુલાસો મળતાં બોલ્યા કે, “સમય પડ્યે માગજો, હું સારી રીતે આશ્રય આપીશ.” રસલસાહેબનાં મડમ પણ મળ્યાં, અને મેવામીઠાઈનો ઉપયોગી વિવેક થયો. સાહેબ પાસે ભૂપસિંહને જવાનો વિચાર કલાવતી આવ્યા પછી ફર્યો હતો, રાણાએ કરવાની વાત બુદ્ધિધને જ કરી, સાહેબના ઉપર રાણાનો કાગળ હતો, અને ઉત્તરમાં સાહેબે કાગળ લખ્યો તેમાં બુદ્ધિધનનાં વખાણ કર્યા. લીલાપુર ખાતે સુવર્ણપુરનો એક વકીલ રાખવામાં આવ્યો હતો તે રોજ દરબારમા ખોટા ખોટા અને અતિશયોક્તિભરેલા રીપોર્ટ કરતો ને વર્ણનની છટામાં લખતો કે આજ તો સાહેબ સાથે બે કલાક વાત કરી, આજ તો કારભારીનાં બહુ વખાણ કર્યા, આજ તો કારભાર વખાણ્યો, ઇત્યાદિ ઇત્યાદિ. બુદ્ધિધન સાહેબને મળી આવ્યો તે બાબત તેણે શઠરાયને એક બે લીટીયો લખી અને જણાવ્યું કે બુદ્ધિધનને અત્રે કાંઈ માન મળ્યું નથી. શઠરાય ખુશી થયો. એ ખુશી ખોટી પાડવી એમાં બુદ્ધિધનને સ્વાર્થ ન હતો. એ મેડમ સાહેબોએ પોતાની છબીયો અમાત્યને આપી હતી અને ઉપર સ્વહસ્તે સહીયો કરી હતી તે તથા સાહેબનો કાગળ બુદ્ધિધને રાણાને બતાવ્યો અને એ સર્વ મંડળ તરફથી મળેલા માન બાબત સંતોષ જણાવ્યો. રાણાની ખાતરી થઈ કે એજંસીમાં બુદ્ધિધનની પ્રતિષ્ઠા બળવાન છે અને તે ધાર્યું કરે એમ છે. વર્તમાનપત્રો તથા સાહેબ એ ઠેકાણે પોતાનું બળ છે એ જણવ્યાથી ભુપસિંહ હાથમાં રહેશે એમ અમાત્યના મનમાં હતું. એ જણાવવાનો મનોરથ સિદ્ધ થયો. બરોબર ચૈત્રી પડવાથી એક દિવસ પહેલાં ઈંગ્રેજી પત્રમાં બુદ્ધિધનની બાબત લખાણ આવે એ બંદોબસ્ત કરવાનું નવીનચંદ્રને માથે પડ્યું. તેનામાં બેસવાની શક્તિ આવી હતી અને તે કામ તેણે ઉત્સાહથી સ્વીકાર્યું. પ્રકૃતિ સારી થાય તો પડવાના દરબારમાં જવા તેને અભિલાષ હતો અને તે અભિલાષ પાર પાડવા અમાત્યે કહ્યું હતું.