આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭

ઠરી. આંખ જરી ફરી તો એક બારી આગળ ઘણા ગાઢ મિત્રો હોય એમ શઠરાય અને બુદ્ધિધનને એકબીજા સાથે હસતા અને દેખાઈ આવતા રસભેર રાજ્યકાર્યની વાતો કરતા જોઈ એ અદ્ભુત આશ્ચર્ય પામ્યો.

એવામાં અચિંતી દૂરના ખંડમાંથી ધીરગંભીર ગર્જના થઈઃ “નીઘા રખો મ્હેરબાન !” મેઘનાદથી મોરનું ટોળું ચમકે તેમ સર્વ એકદમ ચમક્યા અને ઝટોઝટ પોતાનાં ઠેકાણાં ખોળવા લાગ્યા. સિંહાસનની જમણી પાસ શઠરાય બેઠો. જોડે કરવતરાય, દુષ્ટરાય, અને પછી બીજા કારભારીયો અને અધિકારીયો ક્રમ પ્રમાણે ગોઠવાઈ ગયા અને વચ્ચે કોઈ કોઈએ ક્રમવિરુદ્ધ પણ જગા લેઈ લીધી અને બીજા ચેંપેં કરતા રહ્યા. સિંહાસનની ડાબી બાજુએ બુદ્ધિધન બેઠો અને જોડે પ્રમાદધન બેઠો. નવીનચંદ્ર તેની પાછળ બેઠો. સમર સેન કેડે તરવાર બાંધી સિંહાસન પાછળ ડાબીપાસ એક ખુણામાં મુછે હાથ ફેરવતો ઉભો. બુદ્ધિધન સાથે આવેલાં બીજાં માણસો – શાળાના માસ્તર વગેરે – જેની સાથે ફાવ્યું તેની સાથે ગોઠવાઈ ગયા. અમાત્ય અને તેના પુત્રના પછી કાંઈક માર્ગ મુકી રાણાના ભાયાતો દાઢી મુછનું આડંબર જુદી જુદી રીતે ધારી સુનેરી વળ અને પેચવાળાં પાઘડાં ઘાલી કેડે કટારો અને જમિયા ભરી બેઠા અને નવા નવા આવતા જાય તેમ તેમ ખસતા જાય અને માર્ગ આપતા જાય. એવામાં અંધકાર ! જેવા પાછળ આવતા તબલચી વગેરે મંડળને અગ્રભાગે ઝુલતી ઝુલતી, પશ્ચિમમુખે ઉભેલા વાદળાના લીસોટા જેવા ઓઠને મ્હોમાં સારી પેઠે ભરેલા પાનના બીડાના રસથી રાતાચોળ કરતી, ઉજાસવાળી સંધ્યા (સંધ્યા- કાળ) જેવી કલાવતી ઠુમકા કરતી કરતી આવી અને દીવાનખાનાની દુનિયાના મધ્યભાગમાં સપરિવાર બેઠી. નિદ્રા સમીપ આવતી હોય તેમ સર્વની અાંખે ઘૂર્ણાયમાન થવા માંડી. સુવાનો સમય આવ્યો હોય અને વિષયવાસના ચારે પાસ પ્રબળ બનતી ઉડતી હોય તેમ સર્વેનાં ચિત્ત નિર્લજજ થવા લાગ્યાં. સર્વની વચ્ચે ખાલી ર્‌હેલી જગા પથારી જેવી હોય અને તેમાં બેઠેલી કલાવતી સજિજત નાયિકા જ હોય તેમ તેના ઉપર સર્વ પુરૂષવર્ગની અાંખ જવા લાગી – ગઈ .

આવે વખતે માત્ર બે ત્રણ જણની આંખો જુદું કામ કરતી હતી: સર્વની અાંખોનો વ્યવહાર જોવામાં નવીનચંદ્રની અાંખ ગુંથાઈ બુદ્ધિધનની પાછળ ભરાઈ સિંહાસનની ઓથે ૨હી જયમલ કાંઈક વાતો કરવા લાગ્યો અને મ્હોં પાછું ફેરવી બુદ્ધિધને કાન માંડ્યા. શઠરાયની પાછળ બેઠેલા નરભેરામની આંખ આ દેખાવ એક ટશે જોઈ રહી.