આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯

કામદાર, તમે જરા અંદર ર્‌હેજો.” શઠરાયે જતાં જતાં પાછું ફરી જોયું અને અટક્યો. અમાત્ય સર્વ ત્રાંસી આંખે જોતો જોતો રાણાપર એક તીવ્ર દૃષ્ટિપાત નાંખી – આંખે આંખ મળી એટલે – બ્હાર ચાલ્યો. થોડીવારમાં આખા ખંડમાં રાણો અને શઠરાય બે જ રહ્યા અને શઠરાય ગાદી સામો જઈને બેઠો.

“કામદાર, આ કાગળોની વાત હું હવે ઉપાડું છું.”

“જી બહુ સારું. પણ આપની પ્રકૃતિને અચિન્ત્યું શું થયું ?"

“તમને ખબર નથી કે માણસની ધીરજને પણ કાંઈક હદ હોય છે ? મ્હારા મગજમાં ગુંચવારો કેટલા વખત સુધી રાખું ?”

કામદાર ખુશ થયો. “ખરી વાત છે. કાંઈ નીકાલ થવો જોઈએ. અરેરે ! મહારાણાની સાથે આ વર્તણુક આટલા વિશ્વાસુને ન ઘટે.”

“પણ સર્વ સાધન તૈયાર છે ? આ કામ પ્રસિદ્ધ કરવાની જરુર નથી – પોતાની જ ફજેતી કરવાનું કારણ નથી. તમે જાઓ અને અમાત્યને એકલાને મોકલો.”

“સર્વ સાધન હાજર છે. એક નરભેરામ ગયા છે તે અહુણાં આવશે.” કહી શઠરાય ઉઠ્યો. રાણો તેના ભણી જોઈ રહ્યો. ચિંતાતુર અને રાણાના દુ:ખમાં ભાગ લેતી મુખાકૃતિ કરી દઈ અંતઃસંતુષ્ટ શઠરાય બારણામાં અદ્રશ્ય થયો અને થોડીવારમાં બુદ્ધિધન એકલો અંદર આવ્યો. રાણાની પાસે જતાં સંશય આવ્યો – કાંઈક ભય લાગ્યું. એ સર્વ અનુભવ બુદ્ધિધનને આખા જન્મારામાં આજ પ્રથમ જ થયો. તે ગુપ્ત રાખ્યો. કૃત્રિમ ગંભીરતા ધારી. શઠરાયની સાથે થયલી વાત પોતાની પાસે કેવી રીતે આવે છે તે જોવા ઉપરથી ભય અભય યોગ્ય જણાશે ધાર્યું.

રોકી રાખેલા પાણીની અડચણ દૂર થતાં તેનો પ્રવાહ છુટે તેમ બુદ્ધિધનને બારણું બંધ કરી અંદર આવતો જોઈ રાણાનો ધુંધવાટ બ્હાર નીકળતો જણાયો, અને શઠરાય સાથે થયલી વાત ગમે તો તેના વેગ નીચે ડબાઈ ગઈ અથવા તો રાણાએ જાણી જોઈને ન ક્‌હાડી કે પછી શું થયું તે અમાત્યને ન સુઝ્યું.

"બુદ્ધિધન, હવે તો આ તમારી ધીરજને કુવામાં ધક્કેલી પાડવી પડશે. આ દરબાર પુરો થતાં સુધીએ મ્હારી ધીરજ ર્‌હી નહી એટલે મ્હારું મન મ્હારા હાથમાં નથી.”

“કારણ ? ૨ાણાજી, આટલું બધુ શું છે ?” અમાત્ય આવ્યો અને સામો ચિંતાતુર મુખથી બેઠો. ચિંતાનું કારણ મનમાં જુદું હતું અને દેખાડવાનું જુદું હતું.