આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪

આવા કારભારીયોથી આપને હાનિ પ્હોંચશે. ખરી વાત છે કે એ કારભારી જુના છે – પણ એ જુના રોગ છે. આપના રાજ્યના જુલમ વીશે કેટલી બુમ છે તે સાહેબ સારી પેઠે જાણે છે. પણ સુધારાની આશા રાખી આજ સુધી કાંઈ બોલ્યા નહી. એ આશા ખોટી નીકળી. જો એમ જ એમના મનમાં હત કે સુધારો થઈ શકનાર જ નથી તો સાહેબ જુદા ઉપાય લેત. પણ એમ નથી. સાહેબના મનમાં ખાતરી છે કે કારભારીયો આપના સુધી પોકાર આવવા દેતા નથી અને આપ જાણો તો એવા જુલમ થવા દો એમ નથી. આપના રાજ્યમાં સારાં માણસ નથી જ એમ સાહેબના મનમાં હત તો સાહેબ કોઈ બ્હારના માણસની ભલામણ કરત. પણ એમને સારી માહીતી છે કે આપના રાજ્યમાં પ્રવીણ, પ્રમાણિક, અને પ્રજાનું હિત ઈચ્છે એવાં માણસ નથી એમ નથી. આજ કારભારીના બળથી એમનું ચાલતું નથી પણ સાહેબ ધારે છે કે રાજ્યની ખરી સ્થિતિ આપ જાણશો ત્યારે તેમનું બળ ચાલશે અને પ્રજા સુખી થશે. આથી વધારે વાત મ્હોંયે કરવા મને હુકમ નથી. સાહેબ પાસે અને સરકારમાં આપના રાજ્ય સામી કેટલી અને કેવી રીતની ફરીયાદ થઈ છે તે જણાવવા આ સર્વ અરજીયોના કાગળ સાહેબ મોકલે છે તે હું આપની પાસે યોગ્ય તપાસ સારું રજુ કરું છું. આ ઈંગ્રેજી વર્તમાનપત્રો સાહેબે મોકલ્યાં છે તેમાં આપના રાજ્યનાં સારાં નરસાં માણસોનું વર્ણન છે. તેની તુલના સાહેબ આપને સોંપે છે. સાહેબ જાતે ઘણું ખરું વર્તમાનપત્રો પર વિશ્વાસ રાખતા નથી, પણ આ બાબતમાં એ પત્રોનો અને એમનો અભિપ્રાય એક છે એટલે સવિસ્તર હકીકત જણાવવા એ પત્રો જ મોકલ્યાં છે તે કોઈ પ્રમાણિક ઈંગ્રેજી ભણેલા માણસ પાસે વંચાવી સમજી લેશો. હાં, બીજી વાત સાહેબ તરફથી એ ક્‌હેવાની છે કે આપ સમજો છો કે જમાનાની પાછળ ન પડી જવું એ આજ જરૂરનું છે અને એ વાત આપને ધ્યાનમાં લેવાની છે. જમાનો કેવો છે તે જાણવા ઈંગ્રેજી વિદ્યા જાણનારા અને તેવા ન મળે તો ઈંગ્રેજી રાજ્યની નીતિ રીતિ જાણનાર માણસો હળવે હળવે આપે મેળવવા યોગ્ય છે. એ ઉપરાંત જે ક્‌હેવાનું છે તે કાગળ સાહેબે પોતે આપેલો છે તે ઉપરથી સમજશો. મ્હારે સાહેબ તરફથી હવે કાંઈ ક્‌હેવાનું બાકી નથી. પણ મ્હારે જાતે આપને કાંઈક વિનંતિ કરવાની છે તે છાની વાત નથી એટલે આ મંડળ વચ્ચે કહું તો અયોગ્ય નહી ગણો. હું પણ આપના રાજ્યનું સારું ઇચ્છું છું. અને હું તો શીખામણ દેવા લાયક નથી પણ મ્હારી શીખામણ આપને સાંભળવા લાયક હોય તે ક્‌હેવાની