આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪

ધારતી કિશોરી તેનું પવિત્ર પ્રતાપી મુખ જેઈ ફીકી પડી અને વ્હીલી – છાશબાકળી – દેખાઈ. સૌભાગ્યદેવી કાંઈક પુછવાનું કરતી હતી એટલામાં વનલીલા ગભરાયેલી ગભરાયેલી કુમુદસુંદરીની મેડીના બારણા આગળ “કોઈ આવો રે – કોઈ આવો રે” એમ બુમ પાડતી આવી.

"ઓ દેવી – ઓ દેવી – ઓ અલકબ્હેન– કોઈ આવો – આ જુવો – આ જુવો – ભાભી શીંગડું થઈ ગયાં છે – તે કોઈ જુવો."

“હેં !” કરી સઉથી આગળ સૌભાગ્યદેવી દોડી – દોડતાં દોડતાં એકવાર પડી – તે ન ગણતાં કોઈ ઝીલે તે પહેલાં પાછી ઉઠી અને દોડી. ભૂત બનાવ ભુલી જઈ – મરવાનો વિચાર પડતો મુકી – અલકકિશોરી પણ પાછળ ઉતાવળી ચાલી, પણ તેના મન્દ મગજની અસર પગપર હતી. માંદો માંદો નવીનચંદ્ર પણ મંદવાડ ન ગણી ખાટલામાંથી કુદકો મારી ઉઠ્યો અને ફલંગો ભરતો બ્હાવરા જેવો કુમુદસુંદરીની મેડીમાં સઉની પાછળ આવી ઉભો. એ મેડીમાં એ પ્રથમ જ આવ્યો.

કુમુદસુંદરી હજી એ ખુરશી પર એની એ અવસ્થામાં હતી. ખુરશીની આસપાસ સઉ વીંટાઈ વળ્યાં. સઉનાં કાળજાં ધડકવા લાગ્યાં. સઉને શ્વાસ ભરાયો. આંખમાં આંસુ આણી દેવી બોલી: "વનલીલા, આ શું ?”

વનલીલા ગભરાઈ તે મેડીબ્હાર નીકળી એટલામાં આ થયું હતું. મેડીબ્હાર નીકળી શું કર્યું તે પુછે તો શું ક્‌હેવું ? તોપણ જવાબ દીધો: “કોણ જાણે, સારંગી લેઈ ગાતાં હતાં અને ગાતાં ગાતાં કાંઈક આમ થઈ ગયું અને માથું નાંખી દીધું.”

નવીનચંદ્ર આગળ આવ્યો. સ્ત્રીયોને ધીરજ આપવી – ઉપાય બતાવવો – એ પુરુષને માથે પડ્યું. કુમુદસુંદરીના મ્હોં સામું જોઈ ધડકતી છાતી સામું જોઈ ગાયન સંભારી, સર્વનું કારણ કલ્પી, હદયમાં પડેલો ચીરો ઢાંકી રાખી, એ બોલ્યો : “દેવી, ચિંતા કરશો નહી. એમને ઉચકી પલંગ ઉપર સુવાડો. અહુણાં સજજ થશે. અલકબહેન, જરા ગુલાબજળ મંગાવો.”

અલકકિશોરી જાતે જ લેવા ગઈ. જતાં જતાં દાદરે ડોકીયું કરી સમરસેનને કહ્યું કે “એક જણને પિતાને તેડવા મોકલો અને એક જણ વૈદને તેડવા જાઓ.” વનલીલા પાછળ આવી અને ક્‌હે કે “એમને વાઈ જેવું છે. મ્હારે ઘેર મુંબાઈથી સુંઘાડવાની શીશી આણી છે તે