આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરસ્વતીચંદ્ર.

પ્રકરણ ૧.
સુવર્ણપુરનો અતિથિ.

“ ઘર તજી ભમું હું દૂર સ્વજન-હીન, ઉર ભરાઈ આવે,
“નહીં ચરણ ઉપડે હુંથી શોકને માર્યે.”

* * * *

"સુખ વસો ત્યાં જ જ્યાં ભુલે રંક નિજ દુઃખો,
"જયાં પામે આદરમાત્ર પ્રવાસી ભુખ્યો.”–ગોલ્ડ્‌સ્મિથ્.

સુવર્ણપુર, પશ્ચિમસાગરની સાથે ભદ્રાનદી સંગમ પામે છે ત્યાં આગળ આવેલું છે. સાગરે નદીરૂપ હાથવડે કેડ ઉપર બાળક તેડ્યું હોય તેમ એક ટેકરીના એક ઢોળાવ ઉપર પથરાયલો એનો વિસ્તાર લાગે છે. એ નગરના બંદરમાં માઘ માસમાં એક દિવસ એક વ્હાણ આવી નાંગર્યું, અને જુદા જુદા ન્હાનામ્હોટા મછવાઓ તે ઉપરનો માલ ઉતારવા ગયા તેમાં માલની ગાંસડીઓ ઉતરતી હતી તેમ કોઈ કોઈ ઉતારુઓ પણ ઉતરતાં હતાં. એક મછવામાં કેટલાક વ્યાપારીયો ઉતર્યા તેની સાથે એક તરુણ પુરુષ પણ આવી ઉતર્યો અને મછવાની એક બાજુએ લપ્પાઈ ર્‌હેતો હોય તેમ બેઠો. તેની દૃષ્ટિ સમુદ્ર અને સુવર્ણપુર વચ્ચે હીંચકા ખાધાં કરતી હતી –જાણે કે સમુદ્રના તરંગથી મછવો આમ તેમ ખેંચાતો હતો તેનો પ્રત્યાઘાત થતો હોય અથવા તો એક બાળકની પેઠે તેની આંખને મછવાના ચાળા પાડવાનું મન થતું હોય. તે પુરુષનું વય ત્રેવીશ ચોવીશ વર્ષનું દેખાતું હતું, તેનાં વસ્ત્ર પર ઉજાસ ન હતો અને મ્હોં કરમાયેલું હતું. તે નિઃશ્વાસ નાંખતો ન હતો પણ તેના અંતઃકરણમાં ઘણાક નિઃશ્વાસ ભરાઈ રહેલા હોય એવું એની મુખમુદ્રા સૂચવતી હતી. પરંતુ તેની કાન્તિમાં કાંઈક લાવણ્ય હતું અને તેના મુખ ઉપર કોમળતા હતી. આા સર્વથી આસપાસના આનંદમાં ગરકાવ થઈ ગયેલા પણ ગ્રામ્ય અને કઠોર કાન્તિવાળા વ્યાપારીયોમાં આ તરુણ સર્વ રીતે ભાત પાડતો હતો.