આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯


“નવીનચંદ્ર માણસ સારું છે હોં ! ” વર્તમાનકાળ જ જોઈ શકનારી કિશોરીના લક્ષમાંથી ભૂતકાળ ખસી ગયો હતો, અને અતિથિ સારો છે એટલું જ તેણે યાદ રાખ્યું જણાયું. બાળકહૃદયવાળી ઉઘાડા અંતઃકરણવાળી હતી, ભોળી હતી, અને જે બાબત સારું આપઘાત કરવા તૈયાર થઈ હતી તે વાત સ્હેજમાં ભુલી ગઈ હતી. નવીનચંદ્રની વાતો કરતાં તેને ૨જ પણ વિકાર થતો ન હતો.

કુમુદસુંદરીએ ઉત્તર ન વાળ્યો.

“ભાભી, આટલા દિવસ થયા પણ એ અંહીયાં કેમ આવ્યા છે ને ઘેરથી કેમ નીકળ્યા છે તેનો કંઈ પત્તો જ લાગતો નથી, એ શું હશે ?”

“દેવીને પુછો. તેમની સાથે આપણને લીલાપુર મોકલવાનો વિચાર કર્યો તેને એ બાબતની ખબર નહી હોય ? ” વિચારમાં પડી કુમુદસુંદરી બોલી, અને કાંઈ બીજી વાત નીકળે એવું ઈચ્છવા લાગી. સામી પ્રમાદધનની છબી હતી તે જોઈ પાછી શાંત બની. બીજી વાત ક્‌હાડી. “ બ્હેન, મને લાગે છે કે સારા સમાચાર જ હશે અને તમારા ભાઈ જ ક્‌હેવા આવશે. પછી તો કોણ જાણે કાંઈ બીજું કામ હોય ને રોકાઈ જાય તો.”

“જો, વરઘેલાં ખરાં ! કશું હોય તો મ્હારા ભાઈની વાત.”

“હવે તમે મને ક્‌હો એવું નથી.”

“પણ મ્હારે છેક તમારા જેવું નહી.”

“બહુ સારું. પણ માણસ વરઘેલું હોય તેમાં કાંઈ ખોટું ખરું ?”

“હાસ્તો. આખો દ્હાડો વર વર ને વર. એનું એ. રાંડ ત્હારો રોટલો ને ઘડતાં ભાંગ્યો. એ શું ? ”

“ક્‌હો ત્યારે - બાયડીને ભાયડા કરતાં કંઈ વધારે છે ? ”

“હા, એ વાત ખરી. વધારે કશું નથી. પણ આખો દ્હાડો એની એ વાત ? "

"પણ પ્હેલાં તો તમે એટલું યે ક્યાં કબુલ કરતાં હતાં જે ? નણદોઈની વાત નીકળતાં જ બડાફાં નાંખતાં હતાં.”

“હા બ્હેન, હા. એ તો ભુલ્યાં. પણ હવે એમ કરું છું ?”

“ના, ત્યારે હું કાંઈ કહું છું કે તમે એમ કરો છો ? ક્‌હો, અા દયાશંકરકાકાની વાતો સાંભળી ? "

“હા. એ સાંભળતાં તો રુવાં ઉભાં થાય છે. પિતાજી અને દેવીને યે કેટલાં દુ:ખ પડ્યાં છે ? ”