આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭

અાવું છતાં સંસારના પ્રવાહથી અવળે માર્ગે જઈ વૃદ્ધ પિતામહીના વત્સલ ઉત્સાહનો ભંગ ન કરવો એટલી ઈચ્છાથી વિવાહ સ્વીકાર્યો હતો અને કુમુદસુંદરીના ગુણદોષ વીશે તેના મનમાં કેવળ ઉદાસીનતા હતી. પરંતું કાચમાં સંતાયલા પારાને પણ શીતૌષ્ણ્ય જણાયા વિના રહેતું નથી, તેમાં આવા વિરક્ત વિચારોમાં ઢંકાયલી રસજ્ઞતા શુદ્ધ - સુંદરતાથી ચમકવા લાગી અને કુમુદસુંદરીના રમણીય પત્રમાં છલકાતા તરંગોના બળથી પત્થર જેવું અંતઃકરણ ભીનું થઈ ધોવાવા લાગ્યું. ચંદ્રકાંત ગયો એટલે તો હૃદયનું કમાડ ધક્કેલી, ઉઘાડી અંદરની રસિકવૃત્તિયો પાંજરામાંથી છુટતાં પક્ષિયોની પેઠે બ્‍હાર ઉડવા લાગી. એકદમ હડપચીએ હાથ મુકી સરસ્વતીચંદ્ર બોલી ઉઠયોઃ–

“આ શું – આ શું ? આ શી બળવાન અસર -ચંદ્રકાંત ! તું એ જાણે તો કેટલો હસે ?” કાગળ સામું જોતાં આત્મપરીક્ષા અદ્રશ્ય થઈ, અને શિથિલ થઈ ખુરસી પર બેઠો. ઘણી વાર સુધી પત્રના અક્ષર સાથે નેત્રવૃત્તિ “ તદાકાર ” થઈ ગઈ. એનો પ્રત્યુત્તર લખવા બેઠો. સ્ત્રીનો ઉત્કર્ષ સ્પષ્ટ સ્વીકારતાં શરમાયો નહી.

“૨મણીય પ્રિય કુમુદ,
"ત્હારું પત્ર મને ઘણું પ્રિય થઈ પડ્યું છે. કુમુદથી વિકસતો નથીએ ચંદ્ર આકાશમાંનો ખરો. પણ ત્‍હારા પત્રે મને સિદ્ધ કરી આપ્યું છે કે આપણે બે માત્ર એક જ દેશનાં અન્યોઅન્ય અનુકંપી ક્ષુદ્ર પ્રાણી છીયે.
धन्यासि वैदर्भि गुणैरुदारैर्यया समाकृष्यत नैषधोऽपि ।
अत: स्तुति: का खलु चंद्रिकाया यदब्धिमप्युत्तरलीकरोति ॥
"મ્હારા જેવા જ કઠિન ચિત્તવાળા બીજા કોઈ ઉપર ત્હારા જેવી ૨મણીય અસર કરનારીને ક્‌હેવું પડે તો આ શ્લોક હું કહું.”
“પ્રિય કુમુદ ! મ્હારું અંતઃકરણ કેવું કઠિન છે તે મ્હારો મિત્ર !ચંદ્રકાંત જ જાણે છે અને તેવું અંત:કરણ ત્હારા એક ન્હાના પત્રથી એટલું બધું દોલાયમાન થતું હું અનુભવું છું કે કાંઈ ક્‌હેવાની જ વાત નહી ! શરમ આવવાથી ચંદ્રકાંતની આગળ એ અસર મ્હેં દેખાડી નથી ! અને એ બીચારો મને હજી અસલના જેવો જ પત્થર ધારે છે !”
"તું મ્હારી છબિ માગે તે ! ત્હારા માગ્યા વિના જ હું મોકલું છું - અને વળી ત્હારી પાસે જ આવીશ.” – “ ત્હારી છબિ જોઈશ.”
“પ્રિય કુમુદ ! લાંબાં પ્રેમદર્શક વાગ્જાળ લખવાનો મને તિરસ્કાર છે;