આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧

સ્વીકારનારને વ્હાલી અને સંન્યાસીને વર્જ્ય, સુખદુઃખ આપનારી, ગણે તો સત્વમાં સત્ત્વ જેવી અને ન ગણે તે મૃગતૃષ્ણિકા જેવી, અને ક્ષણભંગુર છે. હજારો લાખો રુપીઆ – એક વખત જનારા – તેને ફરી ફરી ગણી સંગ્રહી રાજી થવું, કીર્તિ સારું ધુમાડાના બાચકા ભરવા, ભુલવા સારુ ભણવું, મરવા સરજેલાને સારું મથવું, એ સર્વમાં ને હૃદયના વિલાસમાં ફેર શો ? સરસ્વતીચંદ્રનું વિરક્તરંગી ચિત્ત નવીન અનુભવને વશ થતું થતું આવી રીતે વૃત્તિને અનુસરતું વાર્તિક રચતું હતું અને ભગવો પણ રાગ - રંગ - છે તો બીજા રાગનો શા વાસ્તે તિરસ્કાર કરવો તે સમજવા પોતાની અશક્તિ ક૯પતું હતું. ક્ષુદ્ર ઉદર ઉપર સંસારનાં પડ બંધાયાં જાય છે તો અંતઃકરણ ઉપર કેમ ન બંધાય ? આવા આવા વિષયો શોધી ક્‌હાડી મુખથી ચંદ્રકાંત સાથે અને પત્રથી કુમુદસુંદરી સાથે સરસ્વતીચંદ્ર ચર્ચા ચલાવતો હતો અને એકના વ્યાવહારિક તથા બીજીના મુગ્ધ-રસિક ઉત્તર ગ્રહી નવું શીખતો શીખવતો હતો, રસમાં લપટાતો હતો, પ્રથમના વિચાર સાપની કાંચળી પેઠે તજી દેતો હતો, નવો અવતાર ધરતો હતો, અને કુમુદસુંદરીના કોમળ અંતઃકરણને અસ્વતંત્ર કરી નાંખતો હતો. વૈરાગ્ય એટલે એક સત્ત્વમાં ચિત્ત પરોવી અન્ય વસ્તુમાત્ર ઉપર વિરક્ત રહેવું એ વ્યાખ્યા પ્રમાણે પોતે હજી પણ વિરકત છે એવું નર્મવાક્ય પ્રસંગે પૂર્વાવસ્થાનું ભાન થતાં ક્‌હેતો, પરંતુ વર્તમાન અવસ્થાનું સ્વપ્ન દૂર થઈ શકતું નહી. આ સર્વની છાયા મુગ્ધાપરના પત્રોમાં પડી હતી અને એક બે માસમાં તે મુગ્ધાના અંતઃકરણમાં પણ એ જ છાયા સર્વ ભાગે ફળી ર્‌હી. નદીના નિર્મળ જળમાં આકાશનું પ્રતિબિંબ અનિવાર્ય અત્યાજ્ય થઈ પડી રહે તેમ સરસ્વતીચંદ્રના અંત:કરણનું પ્રતિબિંબ નિર્દોષ કન્યાની માનસિક સૃષ્ટિમાં સંપૂર્ણ અપ્રતિહત અને સર્વકાલીન અવકાશ પામી ગયું.

આણીપાસ ઈશ્વરે આ ખેલ રચ્યો અને બીજી પાસ બીજો ૨ચ્યો. માનવી એક વાત ધારે તો ઈશ્વર બીજી ધારે.

ગુમાનનો પુત્ર હવે ઠળકો થવા આવ્યો હતો અને માના ચિત્તમાં સ્વાભાવિક અભિલાષ હતો કે પોતે સાસરે આવી ત્યારે સરસ્વતીચંદ્રને સર્વે તરફથી મળતાં જેટલાં લાલન (લાડ) જોયાં હતાં તેટલાં પોતાના પુત્ર ધનનંદનને મળે. પરંતુ કેટલાંક કારણોથી એની ઈચ્છા સફળ ન થઈ. સરસ્વતીચંદ્ર મ્હોટો થયો તેમ તેમ તેના પિતાની આસપાસ રહેનારા પંડિતો વિદ્યામાં વધેલા સરસ્વતીચંદ્રની સંગતિ કરવા લાગ્યા. વળી કાળક્રમે તેમની પોતાની સ્થિતિ પણ વધવાથી તે એ ધનવાન લક્ષ્મીનંદનનો આશ્રય છોડી સ્વાશ્રયી થયા હતા, એટલે તેનો ઉપકાર માનતા હતા ખરા પણ તેની