આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


રાજમંડળ, અમાત્ય કુટુંબ, તથા નગરલોક આવવાના – એ વિચારને નવો કેફ મૂર્ખદત્તને ચ્હડયો હતો તેમાં “શ્રીગણેશાય નમઃ” માં તરુણને જોઈ ભાંગ પીધેલાને દીવો જોતાં અસર થાય તેમ મૂર્ખદત્તને પણ થયું.

થોડીવાર તો તરુણ પુરુષ એ સર્વ એક ટશે જોઈ રહ્યો પણ પૂજારીની પૂજાના માહાત્મ્યને વિકાસ પામતું જોઈ તેને કાંઈક હસવું આવ્યું, અને મૂર્ખદત્તે એમ ધાર્યું કે મ્હારી મહાપૂજાના આડંબરનો યોગ્ય અસર થયો. આમ ધારી તે મનમાં પ્રસન્ન થઈ પૂજા થઈ રહેવા આવી એટલે મ્હોટા ડોળ તથા આડંબરથી ખોંખારી વચ્ચે વચ્ચે પ્રશ્નપરંપરા કરવા લાગ્યો.

“તમે બહુ શ્રદ્ધાળુ દેખાઓ છો !” “તમારૂં નામ શું?” “તમે કેણી પાંસથી આવ્યા ?” "કાંઈ ધંધા નોકરીનો વિચાર છે?” “અત્યારે ક્યાંથી ?” “તમે આ ગામમાં નવા આવ્યા જણાઓ છો.” “હું આ મહાદેવનો વંશપરંપરાનો પૂજારી છું.” “મ્હારૂં નામ મૂર્ખદત્ત.” અંતે ઉઠી મહાદેવનું નમણ તથા બીલીપત્ર તરુણ આગળ ધર્યા.

મહાદેવના પ્રસાદથી આંખનાં પોપચાં પવિત્ર કરી તરુણ બોલ્યોઃ “મ્હારૂં નામ નવીનચંદ્ર છે. હું બ્રાહ્મણ છું. અત્યારે જ બંદર ઉપરથી ઉતરી ચાલ્યો આવું છું. આ ધર્મશાળામાં થોડા દિવસ ઉતારો રાખવો છે તેમાં તમારી મદદની જરુર પડશે. મ્હારી રસોઈ તમારા ભેગી કરી નાંખશો તો મને બાધ નથી.” "બાધ નથી” સાંભળી તપોધન આશ્ચર્યંમાં પડ્યો; એટલામાં નવીનચંદ્રે ઉમ્મરમાં એક રુપીયો નાંખ્યો. પત્થર ઉપર રુપીયાના શબ્દે તપોધનનું મન વશ કર્યું અને આશ્ચર્યને અપૃચ્છામાં લીન કર્યું.

આનંદસ્વપ્નમાં મગ્ન થતો થતો પૂજારી લક્ષ્મીદેવીનો સત્કાર કરી ઉઠ્યો અને આગળ એ અને પાછળ નવીનચંદ્ર એમ બે જણ ચાલ્યા. જતાં જતાં મૂર્ખદત્તે વાગ્ધારા છોડી.

"ભાઈ નવીનચંદર, તમારું નામ અટપટું છે તેથી હું તમને ચંદ૨ભાઈ કહી બોલાવીશ અને તમે પણ બધાંની પેઠે મને દત્ત કહી બોલાવજો. ચંદરભાઈ, ચાલો. આ ઓસરીમાં મ્હારી ઓરડી છે ત્યાં રસોઈ થશે. તમારી પાસે જોખમ હોય તે મ્હારા પટારામાં મુકજો અને કુંચી ગમે તો તમારી પાસે રાખજો. આ પાછળ વાડો છે અને જોડે તળાવ છે. તળાવમાં ન્હાઈવાડામાં બેશી બે છાંટા નાંખવા હોય તો નાંખી દેજો. જમવાનો વખત થયે હું તમને બોલાવીશ; ધુમાડામાં બેસવાનું તમને નહી ગમે અને ઓસરી કરતાં