આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪


“જો આવો જ સ્વભાવ રાખવો હતો તો પરણ્યા શું કરવાને જે ? હું મારે કાંઈ ન મળત તે દળણાં દળત પણ આમ કોઈની ઓશીયાળી થવાનો વખત તો ન આવત ! આ તો કાંઈ જોઈયે તો ભાઈ વગર થાય નહી. પેટના દીકરાનું યે આટલું ઓશીયાળું તો ન હોય.”

“જો મ્હારું સાંભળો. એ કાયદા જાણે છે - સઉ એના છે. છાપાવાળા અને હાઈ કોરટના જડજો યે એના ઘરમાં પેશી બધું જાણી લેઈ લેશે ને પછી તમે પંચાત કરસો, તો ભાગ લેવા ફરીયાદી કરશે કે પછી એના હાથમાં હશે તો તમારે જ ફરીયાદી કરવા વેળા આવશે. માટે ચેતો ! વેળાસર ચેતો ! હજી વખત છે. એનું આપ્યું આપણે લઈએ તેના કરતાં તમારું આવ્યું એ લે એવું કરો – કે પાછળની ચિંતા નહી. પણ હું જાણું જ છું તો. એ હોય એટલાં કાંઈ અમે હઈએ ! ભાઈનો બોલ પડતાં માણસો ઉપાડી લે છે. એમાં કાંઈ નવાઈ છે ? તમારે જ મન એ સોનું ને અમે રાખ. પાછળ મ્હારું રાંડનું ગમે તે થાઓ ! એની કાંઈ તમને ચિંતા ?"

ઉદાર, સુશીલ, અને પ્રવીણ પુત્રની સત્તા સર્વના મનપર જામી ગઈ હતી અને તેમ થવાનું કારણ વિચારવું વિસરી પિતાએ ફળની સ્થિતિ સ્ત્રીના કહ્યા પ્રમાણે દીઠી અને સ્ત્રીના ભાષણમાં કાંઈક સત્ય લાગ્યું. આવાં આવાં નિશા-ભાષણ કાળ ક્રમે પત્થરને પ્રહારથી રેતી કરી દેતા સમુદ્રના તરંગની પેઠે એક પછી એક ચ્હડીયાતાં બની નિત્ય ઉછળતાં અને અસર કરતાં. પોતાના કાર્યમાં પરોવાયેલું લક્ષ્મીનંદનનું મન આવા આવા વિષયો પર વિચાર કરવાને અવકાશ પણ ન પામતું; કંટાળવા છતાં, સ્ત્રીને ધુતકારી ક્‌હાડવા છતાં, અને તેની વાત ન માનવાનો નિશ્ચય વારંવાર કરવા અને ક્‌હેવા છતાં, રાત્રિ પડ્યા પછી પણ પશ્ચિમાકાશમાં ૨ઝળતા સૂર્યકિરણની પેઠે ગુંચવાયલા મસ્તિકમાં ગુંચવાઈ ભરાઈ ર્‌હેતી ફરીયાદો પુરુષના મનમાં રહી જતી; સત્યાસત્ય શોધવાનો પ્રસંગ દૂર ર્‌હેતો; પુત્રની પરોક્ષે થતા વર્તમાનનું તારણ (ખુલાસો) પુત્ર કરી શકતો નહી; અને અંતે ઉધાઈ લાકડાને આરોપાર કોતરી ખાય તેમ સ્ત્રીની નિષ્કંટક જીભે, પુરુષના મસ્તિકને નિ:સત્ત્વ કરી દીધું.

એક દિવસ સંધ્યાકાળે શેઠ થાકી પાકી ઘેર આવ્યા, અને શયનગૃહમાં સ્ત્રીને ન દેખી “નીરાંત થઈ” જાણી એક આરામખુરસી પર બેસી ચાકર પાસે ખાવાનું મંગાવી, થાક ઉતારવા લાગ્યા. એવામાં ગુમાન જ ખાવાનું લાવી થાળી ધરી ઉભી. શેઠના પેટમાં “વળી હવે શું મહાભા૨ત નીકળશે” વિચારી ફાળ પડી, પણ કોઈ બોલ્યું નહી અને શેઠે ખાવા માંડ્યું. ઈશ્વરલીલાને બળે અકળાયેલા મનમાં પણ પુત્ર ર્‌હેતો અને શેઠે પુછી જવાયું :