આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦


દ્રવ્ય પિતામહોપાર્જિત હતું તેમાં પોતાનો ભાગ હતો તેના ઉપરથી પોતાના સ્વત્વને (માલકીને) ન્યાસ [૧] કરવો, પોતે ભગવાં ધારણ કર્યા વિના પણ અજ્ઞાત વેશે સાધારણ વર્ગમાં ભળી જઈ દેશાટન કરવું, લોકઅનુભવ અને ઈશ્વર શોધવો, અને પણ ચાર વર્ષમાં પાછાં ફરી કોઈ ઠેકાણે સ્થિર રહી અવલોકન અને અનુભવનું ફળ લોકના ઐહિક અને આમૂત્રિકઅર્થે કેમ વાપરવું તે વિચારી તે પ્રમાણે યથાશક્તિ શાંત પણ ગુરુ યત્ન કરવો. આ સંક૯પનો નિર્વાહ કરવા જતાં તરત તો સુધરેલાઓમાં અપકીર્તિ થશે અને પિતાને અત્યંત ખેદ થશે એમ તેને લાગ્યું. અંતઃકરણનું પરમાર્થ ઈષ્ટ કરવા જતાં પરોક્ષ અથવા પ્રત્યક્ષ અપકીર્તિ થાય તે તો તેને ગાંઠવા જેવી લાગી નહી પણ પિતાને કેટલો ખેદ થશે એ વિચારી તેણે એ સંકલ્પ છોડી દીધો હતો. આ સર્વ ચંદ્રકાંત જાણતો હતો અને તેથી તથા પોતાના બીજા અનુભવ ઉપરથી તેના મનમાં સિદ્ધ હતું કે ડોશીની યોજના પાર પાડવામાં સરસ્વતીચંદ્ર પોતે જ અનિવાર્ય વિઘ્નરૂપ થઈ પડશે. યોજના પૂર્ણ થયા પહેલાં સરસ્વતીચંદ્રને માલમ ન પડે અને પૂર્ણ થયા પછી માલુમ પડતાં નિષ્ફળ કરી શકે નહી એવી યોજના રચવાનો માર્ગ ચંદ્રકાંત શોધવા માંડ્યો. ચંદ્રકાંત પોતે વ્યાવહારિક દ્રષ્ટિ - વૃત્તિવાળો હતો અને મિત્રની સ્વાર્થ સંન્યાસી વૃત્તિને લીધે એના ઉપર વધારે દ્રઢ પ્રેમ રાખતો; તોપણ એ જ વૃત્તિથી આવું રત્ન વૈરાગ્યમાં ડુબી અપ્રસિદ્ધતાના અંધકારમાં લીન થઈ જાય, જે નિર્ધન અવસ્થાનું દુ:ખ પોતે અનુભવ્યું હતું તેવી જ અવસ્થામાં આટલો અઢળક ભંડાર મુકી આવી પડે, અને સંસારની – સુધારાની – મોહક માયા મુકી અાટલી વિદ્યા અને કીર્તિને અંતે સુધારાવાળામાં અપકીર્તિનું – તિરસ્કારનું – પાત્ર થાય: આ સર્વ સ્નેહથી ઉભરાતા ચંદ્રકાંતને મર્મચછેદક થઈ પડે એવું હતું અને તેનો વિચાર કરતાં, તેની કલ્પનાથી જ, દારુણ દુઃખમાં પડ્યા જેવો થતો. કોઈ પ્રસંગે પણ મિત્રની ડબાયલી વૃત્તિ પાછી ઉછળશે એવું તેને ભય હતું, પણ કુમુદસુંદરી પર ઉત્પન્ન થયેલા મિત્રપ્રેમની રમણીય વૃદ્ધિ જોઈ તે નિર્ભય થયો હતો. તે પણ પ્રથમ થયેલા વૈરાગ્ય અને પાછળનો સ્નેહ એમાં કાંઈક અવર્ણનીય સામાન્યતા જણાતી, અને તેથી કોઈક પ્રસંગે પોતાના પૂર્વસંસ્કાર જાગતાં કુમુદસુંદરીને સાથે લેઈ એ જ સરસ્વતીચંદ્ર વાનપ્રસ્થ સ્વીકારે એવો ચંદ્રકાંતના અંતઃકરણમાં ઝાંખો આભાસ થઈ આવતો અને તેથી જ ડોશીની યોજના પાર પાડવાનો પ્રસંગ ન મુકવા તેની વૃત્તિયે તેને અતિબળથી ઉશકેર્યો.


  1. ૧. ફારકતી