આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯

તે વીશે વિચાર ન કર્યો, પ્રશ્ન ન પુછ્યો. ચંદ્રકાંત ઉકળતા હૃદયમાંથી ઉભરા ઉપર ઉભરા ક્‌હાડી બાકી ન રહે એમ ડરવગર બોલવા લાગ્યો અને કાગળના ચીરા કર્યા તેમ જ શબ્દે શબ્દથી શેઠના પસ્તાતા અંતઃકરણના ચીરા કરવા લાગ્યોઃ

“શેઠ આપ તો મ્હોટા માણસ છો. પણ આપણાથી ન્હાનાં માણસ હોય તેની ચિંતા પણ કરવી જોઈયે. પુત્રને પરણાવવા ઈચ્છો તો પરણનાર જોડું એક બીજા પર પ્રીતિ વધારી સુખી થાય તે પણ આપે જ ઈચ્છવું જોઈયે. નિર્મળ કુમુદસુંદરી પર આરોપ મુકી પુત્રના હૃદયમાં કટાર ખોસ્યા જેવું કર્યું – તેની વેદના એ દમ્પતીને હવે કેટલી થશે તે ઈશ્વર જાણે ! વરકન્યાની પ્રીતિ વધે ને માબાપથી ન ખમાય એ તો વિપરીત જ. પણ આપ શું કરો ? ઈશ્વરનું કર્તવ્ય એવું જ. અપર માના હાથમાં ગયેલા પિતાનો પુત્ર સુસ્થ રહ્યો સાંભળ્યો નથી. ખરી વાત છે કે છોકરાં કરતાં સ્ત્રી વધારે હોય જ. સરસ્વતીચંદ્ર કેટલો નિર્દોષ છે તે આપના મનમાં શાનું વસે ? પિતાની મ્હારા પર પ્રીતિ નથી એ વિચારે તેને ઘેલો બનાવી મુકયો અને ઘર છોડી તે ગયો ! બે ઘોડાની ગાડીમાં બેસનારો, બૂટ મોજાં વિના ન ચાલનારો, આપની શ્રીમંતાઈનાં વૈભવમાં વસનારો – તે આજ સાધારણ વેશે નિરાધાર એકલો અપ્રસિદ્ધ કોણ જાણે ક્યાં ભટકતો હશે ? સભાઓ ગજાવનાર, વિદ્વાનોનો માનીતો, મ્હારા જેવા કેટલાક નિરાધારનો આધાર, તે આજે કયાં હશે ? શેઠ, એને ધ્રુવજીના જેવું થયું. અરેરે, કુમુદસુંદરી જાણશે ત્યારે તેને શું થશે ? શેઠ આપના ઘરમાંથી દીવો હોલાઈ ગયો. પણ આપને શું ?”

“એક વાત આપને ક્‌હેવા જેવી છે. એક બાબુ અને તેની સ્ત્રીને ઘણી પ્રીતિ હતી. એક બીજાથી તેમનાં ચિત્ત જુદાં જ ન હતાં. તેમના ઘરમાં એક થાંભલા પર ચકલીનો માળો હતો. તેમાં ચકલો ચકલી ર્‌હે અને આનંદ કરે. ચકલીએ ઇંડાં મુક્યાં અને બચ્ચાં થયા તેની બે જણ બહુ સંભાળ રાખે. એક દિવસ ચકલી મરી ગઈ ચકલે બીજી ચકલી અણી. બે જણાંએ મળી બચ્ચાંને ધકકેલી ક્‌હાડ્યાં અને ઉડવા સરખું ન શીખેલાં બચ્ચાં જમીન પર પડી મરી જાત પણ પેલી સ્ત્રીએ ઝીલી લીધાં. તેમનો વિચાર કરી તે પોતે રોવા લાગી. બચ્ચાંને છાતી સરસાં ધરી રાખે ને રુવે.”

“એટલામાં બાબુ આવ્યો. સ્ત્રીને રોવાનું કારણ પુછયું. તેણે ન કહ્યું. ઘણું કર્યું ત્યારે બચ્ચાં બતાવ્યાં, તેમનો ઈતિહાસ કહ્યો, અને બોલી – આ પક્ષિયોમાં બને તેવું જ માણસમાં પણ કેમ ના બને ? દેહનો ભરોંસો