આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૭

ચંદ્રકાંતની વાતો ન્હાની કુસુમસુંદરીયે માબાપની પાછળ બેશી છાનીમાની સાંભળી લીધી હતી અને ચંદ્રકાંતના શબ્દેશબ્દ બાળક મેધાવિનીએ બે ચાર પત્રો ઉપર ચિત્રી ક્‌હાડ્યા હતા. ટપાલમાં જાય તો પ્રમાદધનના હાથમાં જાય માટે સંગાત શોધી વનલીલા દ્વારા પત્રરાશિ પ્હોંચડાવ્યો હતો.

વાંચનાર ! હવે ત્હારી સ્મરણશક્તિની કમાન જરીક ફે૨વ. સુવર્ણપુરનો સંસાર ભુલી સરસ્વતીચંદ્રનો સંસાર જોવા આપણે ઘડીક મુંબાઈ અને રત્નનગરીનાં સ્વપ્ન જોયાં. હવે જાગ અને પાછો સુવર્ણપુરના સંસારમાં આવ.

ભૂપસિંહના ભવ્ય દરબારમાં ભજવાયલા – કલ્પનાને ભરી નાંખનાર - નાટકનો સૂત્રધાર નવા ભભકાથી ઘેર આવ્યો; તેની મેડીના પ્રધાનખંડમાં અધિકારીવર્ગ પ્રથમ જ ભીંડ મચાવી થનાર કારભારી- ઉગતા સૂર્યનો સત્કાર કરવા તરવરતા હતા; એકાંત હીંચકા પર બેસી રંક સૌભાગ્યદેવી એકલી એકલી 'પતિસંપત્તિયે આણેલા આનંદના ઉપરાઉપરી આવતા ઉભરાથી ઉભરાતી મલકાતી દ્વારમાં પેંસતા પતિ સાથે, તારામૈત્રક રચી ગૃહકાર્યમાં ભળી; ઉન્મત્ત અલકકિશેરી મ્હોટા સખીમંડળ વચ્ચે પાટઉપર બેસી પિતાના દેારનું અનુકરણ કરતી હોય તેમ તડાકા ધડાકા કરતી હતી અને વાર્ત્તાયુદ્ધમાં ગાજતી હતી: – તે સમયે કુમુદસુંદરી પોતાની મેડીમાં એકલી બેઠી બેઠી બ્હેનનો પત્ર વાંચી રોયા વગર આંસુ સારતી તે ચિત્ર, વાંચનાર, હવે પાછું દૃષ્ટિ આગળ ખડું કર. એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં - જાગૃત અવસ્થામાં પણ – એકાએક સંક્રાન્ત થવું એ - ઓ સંસારના પ્રવાસી ! – તને પરિચિત છે જ.

પ્રથમ બ્હેનનો કાગળ વાંચ્યો. વાંચતાં વાંચતાં મુગ્ધા ગળગળી થઈ ગઈ.

“શું પ્રિય ચંદ્ર - આ બધું મ્હારે સારું સોસવું પડ્યું ? શું તમને હવે પ્રિય કહી શકું નહીં ? મૃત પત્નીને સંભારનાર પતિ શું મરનારીને પ્રિય નહીં ક્‌હેતો હોય ? તમે મ્હારા વીતી ગયા ભવમાં પ્રિય હતા – ઈશ્વરને પ્રિય કહું છું,– પિતાને પ્રિય કહું છું – તેમ સરસ્વતીચંદ્રને પ્રિય કહેતાં શો બાધ ? હવે તે મ્હારા પતિ નથી; હવે મ્હારું શરીર મ્હારા પતિને જ સોંપ્યું છે, મનમાં પણ પતિ જ પતિ છે; પરંતુ હું ઈશ્વર, માતાપિતા, અને સ્નેહી વર્ગને પ્રિય કહી તેમનું રટણ કરું તે અયોગ્ય ન હોય તો, સરસ્વતીચંદ્ર, તમારું રટણ કરું તેમાં અયોગ્ય શું ? મ્હારે