આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૧

પ્રમાદધને અચિંત્યું માથું ઉચું કર્યું અને બોલ્યો: “કોણ મરી ગયું ?”

“દુષ્ટરાય” – ઉત્તર દેઈ કુમુદસુંદરી અાંસુવાળી અાંખે પાછી અાવી. એને પ્રમાદધન બારી આગળ ગયો. તે ત્યાં ઉભો એટલામાં છાતી ઉપર હાથ મુકી વિચારમાં પડી કુમુદસુંદરી વચ્ચોવચ ઉભી રહી અને દુષ્ટરાય તથા પ્રમાદધનની ત્રિકાલાવસ્થા, સરખાવવા લાગી – “શું, જે કારભારીના દીકરા હોય તે સઉને લંપટ થવાનું સરજેલું હશે ?” એમ મનને પુછવા લાગી - "દુષ્ટરાયની અવસ્થા રુપાળીએ કરી એવી પ્રમાદધનને અથવા કૃષ્ણકલિકાને હાથે કોઈ સમે મ્હારી પણ થવા વારો કેમ ન આવે ?”-“ધુળ નાંખી આવે તો, આ જગતમાંથી છુટી થાઉં :” આવા તર્ક કરે છે એટલામાં પલંગપર દ્રષ્ટિ પડી અને ત્યાં કંઈ દીઠું, પાસે જઈ તે જોયું તો કૃષ્ણકલિકાના માથાનો કેવડો અને કોટની સાંકળી નીકળી પડેલાં દેખાયાં તે લેઈ લીધાં. હાથમાં લઈ વિચારમાં પડી પાછી પલંગ આગળ જ ઉભી.

પ્રમાદધન રસ્તા ઉપર સ્ત્રીયો કુટતી હતી તે જોતો ઉભો. કૃષ્ણકલિકા પણ કુટવામાં ભળી હતી તે બરોબર એના સામી ઉભી. કુટતાં કુટતાં સાંકળી વિનાની કોટ લાગતાં ગભરાઈ. પ્રમાદધનની મેડીમાં જઈ તપાસ કરવા છાતી ચલાવે એવી હતી – પણ પેલી કુમુદડી સાંભરી - એની ક્રોધવાળી અાંખો સાંભરી – એટલે સાંકળી શોધવાનો વિચાર મુકી દીધો. સાંકળીનું રોવું અને કુટવામાં રોવું એ એક થઈ ગયાં. અાંસુના પ્રવાહમાં પ્રમાદધનને જોવો પણ મુકી દીધો. પ્રમાદધનને પાછળ ઉભેલી કુમુદસુંદરી સાંભરી એટલે પાછો ફર્યો અને ઓશીયાળા જેવો - વ્હીલા જેવો – બની વાત જાણતો જ ન હોય એવું ડોળ ધારવા વ્યર્થ યત્ન કરવા લાગ્યો.

કુમુદ પલંગની ઈસને અઠીંગી ઉભી હતી. ઘડીક હાથમાંની સાંકળી અને કેવડા પર નજર કરતી હતી. ઘડીક આંખ સામે નવીનચંદ્રવાળી મેડીના બારણાની નિત્ય બંધ રહેતી પણ આજ ઉઘાડી રહી ગયેલી સાંકળ સામી નજર કરતી હતી.

“ હે ઈશ્વર ! અામને સુધારવા એ વાત મ્હારા હાથમાંથી ત્‍હેં સમુળગી લઈ લીધી જ ! શું મર્યાદા તુટી જ ? શું છેક અામ જ કે હું અંહીયાં ઉભી છતે પેલીના સામું જોયાં કરે છે અને મને તો બોલાવતા જ નથી ? છેવટે બે અાંખની શરમ પણ ન રહી. હવે સુધરવાનું બારું બંધ.”

“ત્યારે અા સાંકળી આપી દેઉ એમને ? ફાવે તે કરે. ફાવે તે કરે. મ્હારે શું? ભણેલાએ પરણ્યા પ્‍હેલાં છોડી – વગરભણ્યાએ પરણીને છોડી !”