આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૮

ચિત્તમાં તો શું પણ કર્ણમાં એ જવા ન પામ્યા. આ પરિણામનું જોખમ ઘોડાગાડીના નિર્ઘોષને માથે ન હતું, કારણ નિર્ઘોષ છતાં બુદ્ધિધન અને નરભેરામ પરસ્પરની વાતો સાંભળી શકતા હતા.

આ અરસામાં રાજ્યતંત્રીયોએ ઘણી ઘણી વાતો કરી. કંઈ કંઈ યોજનાઓ થઈ કંઈ કંઈ સંકલ્પ-વિકલ્પ થયા, કંઈ કંઈ તર્ક થયા, કંઈ કંઈ ઘાટ ઘડાયા, કંઈ કંઈ ભાગ્ય ઉઘડ્યાં, કંઈ કંઈ ચિંતાઓ થઈ અને કંઈ કંઈ ઉપભોગ થયા. સ્મરણશક્તિને થકાવે, કલ્પનાને હંફાવે, અને સાધારણ બુદ્ધિને તો મૂર્ચ્છા પમાડે એવી યોજનાઓએ કરવી હજી બાકી રહી જણાઈ. અાશા અને અનાશા, ભય અને અભય, ઉત્સાહ અને અવસાદ: એવાં એવાં અનેક દ્વંદ્ધ સાત્વિક શાન્તિને હજી અદ્રશ્ય રાખતાં દેખાયાં અને સંક૯પ- વિકલ્પ અાનંદનિદ્રાના શબ ઉપર ગૃંધ્રગણ પેઠે ભમતા નજરે પડ્યા. વામન તર્ક વિરાટ સ્વરૂપ ધારી પૃથ્વીથી આકાશ સુધી બે પગલાં ભરી ઉભેલો પ્રત્યક્ષ થયો. કંઈ કંઈ મનુષ્યોનો ન્યાય તેમની પરોક્ષે થતો અને શિક્ષાનો નિર્ણય થતો હજી અટક્યો નહી. કંઈક મૂર્ખાઓ વ્‍હેમનાં પાત્ર ગણાયા, કંઈક લુચ્ચાએ ઉઘાડા પડી ગયા, કંઈક શુદ્ધજનો સંગતિને લીધે અશુદ્ધમાં ખપ્યા, જાણ્યે-અજાણ્યે પ્રસંગે અપ્રસંગે કંઈક ઉદ્ધત શબ્દ કોઈથી બોલાયલો- કંઈક અવિનીતતા થઈ ગયેલી – તેના ફળમાં તેને આજ કંઈ સારી નોકરી મળતી અટકી, અને એ જ રીતે ભિન્ન ભિન્ન ન્હાના મ્હોટા દોષવૃક્ષ ઉપર ધાર્યા અણધાર્યા ફળફુલ અાવ્યાં એ જ શ્રેણિયે ગુણના પરિપાક થયા. કંઈક દોષ - કંઈક ગુણ - ઢંકાયા પણ ખરા - ફળદાતા છેતરાયા પણ ખરા. અધિકારે શુભ અશુભ કરવાની શક્તિનો માનવીઓમાં અામ અાવિર્ભાવ કર્યો – અને તે અંધકારના ઉદરમાં ગર્ભરૂપે સ્ફુરવા લાગ્યો.

એટલામાં નરભેરામ પોતાના ઘર આગળ ઉતરી પડ્યો અને જયમલ્લ પોતાના ઘરના દ્વારમાં વૃદ્ધ પિતાને ઉભેલા જોઈ ઉતર્યો, તેને ઉતરતો જોઈ દયાશંકર સાથે બે બોલ બોલી, પોતાના આપત્તિ સમયમાં ઉપયોગી થઈ પડનારના પુત્રને અાજ પોતે સારું ફળ આપે છે એ વિચાર થતાં બુદ્ધિધન ઉંડો સંતોષ પામ્યો અને ગાડીવાનને 'ચલાવ' કહી આજ્ઞા કરી.

ઘોડાઓએ અંધકારમાં ફાળ ભરી કે બુદ્ધિધનના શબ્દે નવીનચંદ્રને વિચારનેિદ્રામાંથી જગાડ્યો.

“નવીનચંદ્ર, તમારે વાસ્તે મ્હેં એક વ્યવસ્થા ધારી છે” કહી તેને વાસ્તે પોતે કરેલો વિચાર કહી બતાવ્યો, નવીનચંદ્ર સર્વ વાત સાંભળી રહ્યો, વિચારમાં પડ્યો, પોતે એક અજાણ્યો પરદેશી તેના ઉપર આટલી મમતા