આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૪

ઘેર સોંપીયે છીયે. તું કાંઈ અમારી નથી – તને શીખામણ દેવી શું કરવા પડે ? પણ માનું હૈયું કહ્યું નથી કરતું - અમારાથી ક્‌હેવાઈ જ જવાય છે. કર - ન કર તે તો તું જાણે. પણ હું તો કહું છું. હવે તું મ્હોટી થઈ જો, બ્હેન, જો, બધું ત્હારી મરજી પ્રમાણે કરજે – પણ એક આટલું સરખું માનું કહ્યું માનજે હોં ! જો, સુખદુઃખ બદલાશે, બધું થશે, પણ કર્યું ન કર્યું નહી થાય. માટે બ્‍હેન, જો હું શું કહું છું ? – એટલું માનું કહ્યું સરત રાખજે.” આમ દીનવદને બોલતી બોલતી ગુણસુંદરી ડુસકાં ભરતી દીકરીયે સાંભળી. પોતાને ખભે હાથ મુકી પાછળ ઉભી હોય તેમ લાગ્યું અને માનો હાથ ઝાલવા પોતાનો હાથ ઉંચો કરી પોતાને ખભે મુક્યો અને અચીન્ત્યું પાછું જોયું. પાછું જુવે છે તો " કુમુદ, જો, બેટા, કોઈ નહી હોય ત્યાં પણ ઈશ્વર સાક્ષી છે હોં ! સરત રાખજે હું તો ખોટો બાપ છું, પણ મ્હારો ને ત્‍હારો બેનો ખરો બાપ તો એ છે, હોં. આ જગતમાં તું જે કામ કરે તે એ બાપને પુછીને કરજે – એ તને કદી ખોટી સલાહ નહીં આપે, સદૈવ સહાય થશે, અને એ તને સર્વત્ર જડશે. મને ભુલજે - પણ એને ભુલીશ નહી. એના કોપપ્રસાદ જેવા તેવા નથી – પાછા ફરે તેવા નથી. મ્હેં તને કોઈ વેળા ક્ષમા આપી હશે – પણ ઈશ્વરની તો શિક્ષા થયે જ જાણીશઃ ક્ષમા માગવાનો અવકાશ પણ નહી રહે.” આમ બોલતું વત્સલતાથી કોમળ પણ ઉપદેશદાનને લીધે કઠણ ભાસતી અાંખવાળું પિતાનું મુખ કુમુદસુંદરીયે પોતાની પાછળ હવામાં ઉભેલું દીઠું. તે ચમકી અને ઉભી થઈ ચારે પાસ બ્હાવરી બની જોવા લાગી તો જ્યાં જુવે ત્યાં પવનમાં કોઈનાં મુખ અને કોઈનાં શરીર તરવરે: એક પાસ પિતાનું, અને બીજી પાસ માતાનું મુખ; એક ઠેકાણે વનલીલા ઉભેલી; એક ઠેકાણે અલકકિશોરી અાળસ મરડે; ૨સ્તાપરની બારી આગળ બુદ્ધિધન ઉભેલો; અગાશીની બારી આગળ સાસુ અઠીંગેલી; નવીનચંદ્રવાળી મેડીની બારી આગળ સરસ્વતીચંદ્ર ઉભેલો અને બાડી અાંખે પવિત્રતાની પરીક્ષા કરવા જોઈ રહેલો; અને બધું તો બધું પણ પોતાની જ પાસે ટેબલ પર બાળક કુસુમસુંદરી પણ મ્હોટી બ્હેનની મશ્કેરી કરતી હસતી બેઠેલી લાગી. કુમુદસુંદરી તો આ સર્વ જોઈ ગભરાઈ જ ગઈ કે આ શું ? – આ બધુ શું ? – શું આ બધાંએ આજ મને નાણી જોઈ? આ તે સ્વપ્ન કે સાચું ? એમ વિચારતી, ગભરાતી, ચારપાસ અને ઉપર- નીચે દ્રષ્ટિ ફેરવવા લાગી. ઘેલી બની ગયેલી કુમુદ આમથી તેમ દોડવા લાગી અને બ્‍હાવરી બ્‍હાવરી, ઉપર, નીચે, ભીંતોપર, છતપર, ભોંયપર, પલંગપર, ટેબલ પર, બારીઓ અાગળ, અને પવનમાં આમથી તેમ જોવા