આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૬


" ભુલાતું – ન ભુલાય !–નિરાધાર-નિરાકાર !"
" નહીં તોડી કદી તુટે !”

એમ ગરીબડું મુખ કરી રોતી રોતી - પોતે ક્યાં છે તે ભુલી જઈ – છિન્નભિન્ન ગાતી કુમુદસુંદરીની આંખમાં તમ્મ૨ આવી, વીજળી શીરપર પડતાં નાજુક વેલી બળી જઈ અચીંતી પડી જાય તેમ મૂર્ચ્છા પામી કુમુદસુંદરી ધરતી પર ઢળી પડી, કાગળ હાથમાંથી આઘો પડી ગયો, તેનું લોહી ફટકી ગયું, અને આંખો ન ઉઘાડવાનો નિશ્ચય પડતો મુકી સરસ્વતીચંદ્ર સફાળો ઉઠ્યો ! – ઉભો થયો ! અણીને સમયે દ્રઢ પ્રતિજ્ઞાઓ જાતે જ સરી જાય છે. ભર સેના વચ્ચે ભક્તને અર્થ શ્રીકૃષ્ણ રથચક્ર લેઈ ઉભા થયા ! સ્નેહસમુદ્ર વિવેકતીરની મર્યાદા નિત્ય જાળવે છે પણ અકળાય છે ત્યારે પ્રતિજ્ઞા – પર્વતને પણ પી જાય છે એવી ઈશ્વરની અકલ માયા છે.

મુંબાઈ જવાનો ઉપદેશ કરવા આવેલીને ઉત્તર મળી ચુક્યો. કવિતાના અક્ષરે અક્ષરે હૃદય ચીરાતું ગયું, પોતાના ઉપર સરસ્વતીચંદ્રની નિર્મળ અને અનિવાર્ય પ્રીતિ, એ પ્રીતિ છતાં ગુરુકાર્યને અર્થ કરેલો ત્યાગ અને ત્યાગ કર્યો છતાં ન ખસતો હૃદયસંબંધ, સંબંધ છતાં કરેલો પવિત્ર અને સ્નેહભર ઉપદેશ, કુમુદસુંદરીને આવો ઉપદેશ કરવા છતાં સરસ્વતીચંદ્રને પોતાનો ભીમ સંન્યાસ, “એ સંન્યાસ મ્હારા જ પરની પ્રીતિને લીધે અપ્રતિહત છે” એ બુદ્ધિ, હવે એનું શું પરિણામ થશે તે વીશે અમંગળ શંકાઓ, અને એવા અનેક તર્કવિતર્કથી ઉભરાતું હૃદય શોકનો ભાર સહી ન શક્યું અને મૂર્ચ્છિત થયું. ખાટલામાંથી ઉઠી નીચે ઉભેલા સરસ્વતીચંદ્રના પગ આગળ મૂર્ચ્છાવશ પડેલી અબળા તેનું અંત:કરણ ચીરવા લાગી. દક્ષયજ્ઞમાં મૂર્ચ્છિત થયેલી ઉમાને જોઈ પળવાર અનુકંપાવશ શિવની પેઠે સરસ્વતીચંદ્ર મુર્ચ્છાની મૂર્તિ ઉપર દ્રષ્ટિ કરી જોઈ રહ્યો. એક પળમાં અનેક વિચારો સમાસ પામતા વહ્યા.

આજ સુધી વિશ અને વિકાર ગુપ્ત રાખ્યા હતા તે આજ ઉઘાડ થઈ ગયા તેની સાથે મુખાકૃતિ પણ પ્રકૃતિસ્થ વિકારને વશ દેખાઈ. પોતાના ઘરમાં જ પોતે હોય અને પોતાની સ્ત્રીની જ અવસ્થા જોતે હોય એવો દેખાવ મુખ ઉપર સહસા આવી ગયો. જે વિદ્વત્તા અસરંગીપણાનાં પડમાં સંતાડી રાખી હતી તે કવિતાની ચાળણીમાંથી આજ ટ૫કી ગઈ. જે શોકસીમા પરદેશીપણાના ધુમસમાં અદ્રશ્ય રાખી હતી તેના ઉપર અભિજ્ઞાનસૂર્ય ચળકાટ મારવા લાગ્યો.