આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૦

ગંભીરતા – એ સર્વ એકરૂપ બની મૂર્તિમતી થઈ ઉપદેશ કરવા આવી હોયઃ તેમ કુમુદસુંદરી અપૂર્વ તેજ ધારી બોલવા લાગી.

“તમારી સાથે બોલવાને મ્હારો અધિકાર તમે જ નષ્ટ કર્યો છે તે છતાં કોણ જાણે શાથી હું આજ બોલું છું - પણ તે છેલવ્હેલું જ બોલું છું.”

“મ્હારી ભૂત, વર્તમાન અથવા ભવિષ્ય અવસ્થા જાણવાનો અધિકાર તમે જ તજી દીધો છે – તમને એમ જ ગમ્યું - તમારી ઈચ્છા. એ અવસ્થા હવે તમને જણવવી એ સર્વથા અનુચિત છે. એટલું જ કહું છું કે ભુલ્યે ચુક્યે બીજી કોઈ ભાગ્યહીનની એ અવસ્થા ન કરશો !”

“મ્હારે તમને ક્‌હેવાનું તે તમારા ખીસામાંના પત્રમાં છે – એટલું પણ તમે મ્હારું હિત કરશો - એટલું પણ સાંભળશો - એવો મને વિશ્વાસ નથી. વિશ્વાસ શી રીતે રાખું ? હું રાખું કે ન રાખું તેની તમારે પરવા પણ શી ? હાસ્તો – ખરી વાત. મ્હેં મૂર્ખીએ એ પત્ર લખાઈ ગયો : લખ્યા વિના ના ર્‌હેવાયું. ”

“સરસવતીચંદ્ર ! કૃપા કરી, દયા આણી, મુંબાઈ જાવ. શું ભણલાઓ સર્વ તમારા જેવા હશે ? શું ક્રૂરતા વિદ્યાની અંગભૂત જ હશે ? મુંબાઈ જાવ કે મ્હારા પિતાને મળો.. પણ આમ ક્રૂર ન થશો !”

“પતંગ પેઠે ર્‌હો – કે સમુદ્રના મોજા પેઠે ર્‌હો – કે વાયુ પેઠે ર્‌હો ! એ સર્વ નિર્દયતા રચતાં તમને કોઈ રોકે એમ નથી ! જીવતી છતાં ચિતા વચ્ચે બેઠેલી, તેને કાંઈ નાસવાનું છે ? તમે છુટ્યા પણ મ્હારાથી કંઈ છુટાયું ? – બળીશું, ઝળીશું, રોઈશું, કે મરીશું – વજ્ર જેવું આ કાળજું ફાટશે તે સહીશું – થશે તે થવા દેઈશું – તેમાં તમારે શું ? તમારે તમારી સ્વતંત્રતા અખંડ ર્‌હો – એટલે થયું.”

“ઉત્તર મ્હારે નથી જોઈતો ! – કહું છું તે વિચારજો એટલે ઘણું ! ઈશ્વર તમને સદ્‍બુદ્ધિ આપો !”

આટલું બોલતાં બોલતાં ગળગળી થઈ ગયેલી, આંખમાં વ્હેતું આંસુનું પૂર ખાળવા વૃથા પ્રયત્ન કરતી, અંતે રોઈ પડતી, “મને દુઃખમાં છાતી સરસી તમે કાંઈ હવે ચાંપી શકવા જેવું રાખ્યું છે?” એવું ભાન આપતી ઠપકો દેતી હોય તેમ ઉતાવળે છેલ્લો ક્રોધકટાક્ષ નાંખતી, દુ:ખમય બાળા અચીંતી પોતાની મેડી ભણી દેાડી, પાછું પણ જેયા વિના પુઠ પાછળ દ્વાર વાસી દીધાં, પાછું જોયું ન જોયું કરી સાંકળ વાસી, અને પલંગ પર પડી રોઈ ઉભરો ક્‌હાડ્યો અને શાંત કર્યો. શાંત થતાં ટેબલ પર આવી સરસ્વતીચંદ્રની ગઝલો