આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૯

બે જણ મંદિરમાં આવ્યા. સરસ્વતીચંદ્ર દ્વાર બ્હાર આવી ઉભો. પાછળ ગાંસડી લઈ મૂર્ખદત્ત આવ્યો. સરસ્વતીચંદ્ર વિચારમાં પડી ઉભો ઉભો મ્હોંવડે સીસોટી વગાડવા લાગ્યો અને સામે ઉભેલા ગાડા સામું જોઈ રહ્યો.

મ્હોટા બે બળદ જોડેલા એવું, લાંબા પાટીયાના તળીયાવાળું, અને પાંજરાંથી બાંધી દીધેલું ગાડું હતું. પાછળનો ભાગ છેક જમીનને અડકતો હોય એવો દેખાયો અને મોખરે ધરીપર ગાડીવાન બેઠો હતો તે ઠેઠ ઉંચો ઉડી પડવા જતો દેખાયો. ગાડામાં એક ડોશી, એક ચાળીશેક વર્ષનો દુ:ખી દેખાતો પુરુષ, અને એક વીશેક વર્ષની સ્ત્રી એટલાં બેઠાં હતાં, તેમાંનું કોઈ પણ દેખાવડું કે ગોરું ન હતું અને વણિગ્વર્ગનાં છે એમ લાગ્યું. ડોશી બ્રાહ્મણી હતી. તે સર્વેને લેઈ ગાડું ૨ત્નનગરી ભણી જવાનું છે એમ તપાસ કરતાં મૂર્ખદત્તને માલુમ પડ્યું. ગાડાવાળાએ સરસ્વતીચંદ્રનું ભાડું કર્યું. મૂર્ખદત્ત બોલ્યો.

“ચંદરભાઈ તમારે તો ભદ્રેશ્વર જવું છે અને આ ગાડું તો રત્નનગરી ભણી જાય છે.”

“ભદ્રેશ્વરનો રસ્તો કયાંથી જુદો પડે છે ? ”

"અંહીથી દશેક ગાઉ ઉપર મનોહરીયા નામનું ગામડું છે ત્યાંથી એક રસ્તો ભદ્રેશ્વ૨ જાય છે અને બીજો રતનગરી જાય છે.”

“ ઠીક છે. ત્યારે તો આ જ ગાડામાં જઈશ.”

સરસ્વતીચંદ્ર આજ સુધી કદી આવા ગાડામાં બેઠો ન હતો તે આજ બેઠો. મૂર્ખદત્તને પાંચ રુપીયા આપ્યા. ગાડામાં નીચે પરાળ પાથરી હતી. તે ઉપર એક ઓછાડ પાથર્યો હતો, અને તે ઉપર છેક નીચે સરસ્વતીચંદ્ર બેઠો. દશ વાગ્યા હતા અને માથે ચૈત્રનો તાપ પડતો હતો. ધ્રુવની પેઠે લક્ષાધિપતિનો ભરવૈભવમાં ઉછરેલો પુત્ર આજ આમ બ્હાર નીકળ્યો જોઈ સૂર્યનારાયણ કુમળા ન થયા. દુઃખી માણસે તેના તાપને ગણ્યો પણ નહી. ઉડતી રેતીના દડવચ્ચે ચીલો કાપતું રગશીયું ગાડું પુરુષ૨ત્નને પીઠ પર લેઈ ચાલ્યું અને ધુમ્મસ પેઠે ચારેપાસ ઉડતું ધુળનું વાદળું ગાડાને ઘેરી લેવા લાગ્યું. મૂર્ખદત્ત ગાડા પાછળ જરીક ચાલી, ૨જા લેઇ રસ્તામાં સંભાળ રાખવાનું સરસ્વતીચંદ્રને કહી, ગાડાવાળાને એની ભલામણ કરી પાછો ફર્યો અને અદૃશ્ય થયો.

ગાડાનાં પઈડાંનો ચીલામાં ઘસડાતાં થતો કઠોર સ્વર, માથે તપતો તાપ, ચારપાસની ધુળ, અને નીચે ખુંચતી પરાળ એ સર્વની વચ્ચે ગર્ભશ્રીમંત