આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪

સંસારના પ્રેરેલા સાધારણ અલંકારો ધ્યાન ખેંચ્યાવિના હૃદયમાં પરોવાઈ જતા. માના મસ્તિકની (મગજની) કલ્પનાશક્તિ અને હૃદયની ઇચ્છાઓ બાળકના મસ્તિક તથા અંત:કરણમાં નદીની પેઠે વહ્યાં જતી. બાપ પોતાના કુટુંબના જુના વખતની મ્હોટી વાતો, સંભારતો, બડાશો હાંકતો, અને રંક જન્મેલા અાજકાલના મ્હોટા થયેલા જુવાનીયાઓ અને અમલદારો તુચ્છ હોય તેમ તેમને ધિક્કારી હસી ક્‌હાડતો, ગણતરીમાં જ ન ગણતો, અને અપ્તરંગી [૧] મૂર્ખ વિધાતા - નસીબ - ને માથે આ ક્ષુલ્લક લોકને થન થન નચાવી સાતમે આકાશ ચ્હડાવી દેવાનો દોષ તિરસ્કારભરેલી દ્રષ્ટિથી મુકતો. કુમળા મસ્તિકમાં આ સર્વ સંસ્કારો ભરાયા હતા અને બુદ્ધિધને ઠરાવ કર્યો હતો કે બ્રહ્માની આવી ભુલ સુધારી દેવી અને પોતાની યોગ્યતા પ્રમાણે - મ્હોટા પદ પર ચ્હડવું.

જન્મનો કારભારી નીશાળે ગયો હતો પણ ત્યાં ભણવાનું પ્રયોજન ન જડવાથી ઘણા દિવસ ગુંચવારામાં ક્‌હાડ્યા. આખરે એવી શોધ કરી કે ભણવું એ એક હુન્નર છે, પઈસા કમાવાનું સાધન છે, એ હુન્નર પાસે હોય તો એકની એક વાત લોક અંજાઈ જાય એમ લખતાં આવડે છે, અને મુત્સદ્દાઓ લખવા સમજવામાં ઝીણવટ આવે છે. માનું કહેવું એવું હતું કે ભણવાથી બુદ્ધિ વધે છે અને આ મત સામે દીકરાયે કદી તકરાર ન કરી પણ તેના મનમાં એમ જ છેક છેલે સુધી હતું કે આ બાબતમાં મા ભુલ કરે છે. આવી વૃત્તિથી નીશાળે કાંઈક ભણ્યો અને વર્ગમાં અવકાશ મળતો ત્યારે મ્હેતાજી વર્ગ કેમ ચલાવે છે, છોકરાઓની સંખ્યા કેમ વધારે છે, છોકરાનાં માબાપને કેમ ખુશી કરે છે, ઠોઠ છોકરાઓ સાથે કેમ માથું કુટે છે, અને છોકરાઓ મ્હેતાજીની પુઠે કેવું ટોળ ટીખળ કરે છે તે સઉ જોતો, સરત રાખતો, અને ગમત તથા બોધ પામતો. પ્રથમ તો આખા જગતમાં બુદ્ધિવાળાં માણસોની સંખ્યામાં માનાથી બીજે નંબરે મ્હેતાજી મુકાતા, પણ આખરે મહેતાજીનો નંબર ઉતરતો ગયો. એમ કરતાં કરતાં મ્હેતાજી મૂર્ખાઈ અને કમમુદ્ધિના નમુના જેવા લાગવા માંડ્યા એટલે તેમને પોતાની વિદ્યાર્થી, બુદ્ધિથી અને દ્રવ્યથી સંતોષ આપી અક્કલવાળા વિદ્યાર્થીએ નીશાળ છોડી; અને ભણેલા માણસો ઘણું ખરું મ્હેતાજી જેવા જ હશે એવો વિચાર જગતમાં પ્રવાસ સમયે ભત્થા સારુ લીધો. અાવી રીતે તેણે નિયમ બાંધ્યો હતો તેમાંથી બહુ બળવાન્ સાબીતીવાળા અનુભવ પછી જ એ મ્હોટી વયે પણ થોડાક પ્રસંગ પડેલા માણસોની બાબતોમાં અપવાદ સ્વીકારતો.


  1. “અફતરંગી”= અપ્તરંગી = પાણીના તરંગ જેવા તરંગી ચિત્તવાળા.