આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩

મથી જ જતો હતો અને સાજે થયા પછી પાછો જવા લાગ્યો.પણ ઈશ્વરે સઉનાં મગજ અને કાળજાં અપારદર્શક કર્યાં છે. એમ કરતાં મ્હોટાંનાં મન સમજવા ન્હાનાંને અવકાશ મળે છે, પરંતુ ગરીબ બીચારાં ન્હાનાં માણસોનાં મન તો મ્હોટાં માણસોની પ્રમત્ત – અંધ – આંખોને અદ્રશ્ય જ રહે છે અને એ આંધળાઓને મન રંક પુરુષોનાં કાર્યો સ્વાભાવિક રીતે અર્થવિનાનાં, અક્કલ વિનાનાં, મૂર્ખતા ભરેલાં, માલવિનાનાં, અથવા તો અસુરંગી, વસે છે. કોઈ વખત અાંધળામાં કાણો રાજીયો મળી આવે તો રંક માણસોની બુદ્ધિની પરીક્ષા કરવા યોગ્ય–મૂલ્ય જાણવા લાયક – વધારે બુદ્ધિવાળા અાપણે તો છીયે જ એમ માને છે અને આ બીચારામાં આટલી બુદ્ધિ છે એવું કહી કદર બુજવાની હીમ્મત કરે છે. કારભારી-મંડળ ભરાયું હોય, ગપાટા મારતું હોય, બડાશો હાંકતું હોય, નિન્દા કરતું હોય, કોઈને નુકસાન કરવામાં જય પામી અભિમાન અને આનંદ પામતું હોય, નીચ ઉત્સવ કરતું હોય, ખોટા ઢોંગ રચતું હોય, નીતિના નિયમને ઉલટ પાલટ કરી દેતું હોય, અને મૂર્ખતાથી રંગેલાં - દુષ્ટતાનાં ભરેલાં – બુદ્ધિના દુરુપયોગે ધક્કેલેલાં અને ખુશામતે સળગાવેલાં સ્વપ્ન-જાળ જેનું હોય, તેવે વખતે બુદ્ધિધન એકલો સેવકવર્ગ સાથે ભળનાર મુત્સદ્દી વર્ગની છેલ્લી પાયરીના માણસોમાં સઉની પાછળ બેસતો અને અાંખ, કાન, અને મનને જુદા જુદા વ્યાપારોમાં રોકી અા સંસારનો અભ્યાસ કરતો અને કારભારી અને તેના દીકરાને જોઈ અંત:કરણમાં પોતાની મેળે હોલાતા ભડકાને ઘડી ઘડી વધારે વધારે પ્રદીપ્ત કરતો. પરંતુ તેના ઉપર કોઈની નજર પડતી ન હતી. માત્ર કારભારીનો દીકરો દુષ્ટરાય, તિરસ્કાર અને અહંકારભરી બાડી અાંખે કોઈવાર તેના ભણી આઘેથી જોઈ ર્‌હેતો, છાતી ક્‌હાડતો, અને એના જેવા કંઈ કંઈ રંક માણસોને તેમની અવસ્થાનું ભાન આવે એવાં અટકચાળાં કરી તથા તાબેદાર માણસો પાસે વણ-કહ્યે કરાવી, એમ કરવામાં પોતાની પદવી સાર્થક થતી હોય-પોતાનો હક જળવાતો હોય એવું ડોળ કરી દમભેર ચાલ્યો જતો અને તેની પાછળ તેનાં પુંછડાં ચાલ્યાં જતાં. તેનો બાપ શઠરાય તેના કરતાં કંઈ વધારે સારો અને અક્કલવાળો હતો. દીકરાના જેવાં કામ તે ન કરે એમ ન હતું પરંતુ પ્રયોજન હોય ત્યારે જ કરતો અને ચાલતા સુધી સ્વાર્થ શિવાય બીજું પ્રયોજન રાખતો ન હતો. આથી બુદ્ધિધનને અને તેનો પ્રસંગ જવલ્લે જ પડતો પરંતુ પડેલા પ્રસંગ સમયે તેણે પરીક્ષા કરી હતી કે આ છોકરો ચંચળ અને બુદ્ધિવાળો છે – અલબત 'ચંચળ' અને 'બુદ્ધિવાળો' એટલે શઠરાયના પોતાના જેવો તો નહી જ. પરંતુ આ પરીક્ષાથી બુદ્ધિધનને કાંઈ લાભ-હાનિનો સંભવ ન હતો. કારણ 'બુદ્ધિ,' અને 'ચંચળતા' એ બે ગુણને લીધે કારભારી